અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે પરંપરાગત દીવો પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ ઉજવણીમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો, ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ, શેફ વિકાસ ખન્ના, IBMના સીએમડી અરવિંદ કૃષ્ણા, FBI ડિરેક્ટર કશ પટેલ, માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય, રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લામ્પાટી, હેતલકુમાર પટેલ અને વ્હાઇટ હાઉસના ઇવેન્ટ્સ અશર અરવિંદ ચઢ્ઢા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
GOQii ટેકનોલોજીના સ્થાપક વિશાલ ગોંડલે ટ્રમ્પ સાથે દિવાળી ઉજવવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો શેર કરીને જણાવ્યું કે, 'પ્રમુખ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટમાં આપવાની તક મળી, જે ખૂબ જ ગૌરવની ક્ષણ છે.' તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો અને અંધકાર પર પ્રકાશના વિજય માટે પ્રાર્થના કરી હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા 2003માં પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે શરૂ કરી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમો આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા. 2009માં પ્રમુખ બરાક ઓબામા વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકન પ્રમુખ બન્યા હતા. ત્યારથી વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ જેવા મુખ્ય સ્થળોએ દીપોત્સવની ઉજવણી થાય છે.