અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી હતી. આ પ્રસંગે તેમણે ભારતીય મૂળના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો હતો. સમારોહમાં તેમને હનુમાન ચાલીસાની એક નકલ ભેટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રમ્પ વહીવટીતંત્રના ભારતીય મૂળના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના સીઈઓએ ભાગ લીધો હતો. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને જાણીતા શેફ વિકાસ ખન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ઉદ્યોગપતિઓએ ટ્રમ્પ માટે ‘જુગ-જુગ જીઓ’નો સંદેશ આપ્યો હતો અને ભારત-અમેરિકા મિત્રતા વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ઓવલ ઓફિસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી પણ હાજર હતા. ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ, રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લમપતિ, હેતલકુમાર પટેલ અને વ્હાઇટ હાઉસમાં કાર્યક્રમોની જવાબદારી સંભાળતા અરવિંદ ચઢ્ઢા પણ સામેલ થયા હતા.
વિશાલ ગોંડલે એક્સ પર લખ્યું, “ઓવલ ઓફિસમાં પ્રકાશ અને પરસ્પર જોડાણની આ એક ખાસ ક્ષણ છે.” તેમણે કહ્યું કે ટ્રમ્પ સાથે દિવાળી મનાવવી તેમના માટે સન્માનની વાત છે. ગોંડલના જણાવ્યા મુજબ, હનુમાન ચાલીસા ભગવાન હનુમાનને સમર્પિત તુલસીદાસનું ભજન છે, જેને લાખો લોકો હિંમત, ભક્તિ અને શક્તિ માટે વાંચે છે.
વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે શરૂ કરી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમો વ્હાઇટ હાઉસ પાસેની આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા, જેમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અને ભારતીય રાજદ્વારીઓ ભાગ લેતા હતા.
2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે ઈસ્ટ રૂમમાં યોજાયેલા સમારોહમાં દીવો પ્રગટાવ્યો હતો. ત્યારથી વ્હાઇટ હાઉસના વિવિધ ભાગોમાં દિવાળી સમારોહ યોજાય છે, જેમાં ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ઓબામાએ સતત આઠ વર્ષ સુધી વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી હતી. ટ્રમ્પે 2017થી જાન્યુઆરી 2021 સુધીના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન દર વર્ષે દિવાળી ઉજવી હતી. 2021 અને 2022માં રાષ્ટ્રપતિ જો બાઇડને તેમની પત્ની જિલ બાઇડન સાથે દીવા પ્રગટાવ્યા હતા.