સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી: સ્મિત મચ્છર પર હુમલા પાછળ ઈરાનનો હાથ હશે તો ભારે કિંમત ચૂકવવી પડશે

ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી: સ્મિત મચ્છર પર હુમલા પાછળ ઈરાનનો હાથ હશે તો ભારે કિંમત ચૂકવવી પડશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈની ઈઝરાયલ જતી ફ્લાઇટ પર થયેલા હુમલા અંગે ઈરાનને સખત ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો આ હુમલા પાછળ ઈરાનનો હાથ હશે, તો અમેરિકા તેને ભારે કિંમત ચૂકવવા મજબૂર કરશે.

ઘટના એવી બની કે યુએઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી બોઈંગ 737 મેક્સ 8 ફ્લાઇટમાં ઉડાન ભર્યાના અંદાજે અઢી કલાક બાદ ઓમાની કોપાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે વિમાન 33,000 ફૂટની ઊંચાઈથી માત્ર એક મિનિટમાં 17,000 ફૂટ પર આવી ગયું હતું. કોકપિટમાંથી કટોકટીના સંકેત માટે 7700 અને હાઇજેકિંગ માટે 7500 કોડ મોકલવામાં આવ્યા હતા.

લોહીથી લથબથ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દરવાજો ખોલતાં મુસાફરો અને ટ્રેની ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કરીને કોપાયલટને કાબૂમાં લીધો હતો. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

આ ઘટના બાદ સાઉદી અરેબિયાએ શંકાસ્પદ કોપાયલટને યુએઈને સોંપી દીધો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે હુમલાખોર ઇસ્લામિક કટ્ટરવાદી હતો. આ મામલે ઈઝરાયલી ગુપ્તચર અધિકારીઓ પણ સાઉદી અરેબિયામાં પૂછપરછમાં જોડાયા છે.

ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઈઝરાયલી હતા, તેમજ ભારત, યુએઈ અને ચાર અમેરિકી નાગરિકો પણ સામેલ હતા. ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર હાલ અબુધાબીમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની હાલત સ્થિર છે. તેમની બહાદુરીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.