અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંકળાયેલા કડક પ્રતિબંધો અને 100% ટેરિફ લાગુ થવાના એક દિવસ પહેલાં જ ભારત સહિતના દેશોને મુક્તિ આપી છે. આ મુક્તિ 'ગ્રેહામ એક્ટ' હેઠળ આપવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય અમેરિકાના "રાષ્ટ્રીય હિત"માં લેવામાં આવ્યો છે.
શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલા કારોબારી આદેશમાં ટ્રમ્પે કહ્યું, "હું 'ગ્રેહામ એક્ટ' હેઠળ દર્શાવવામાં આવેલા પ્રતિબંધો, નિયંત્રણો અને જકાતોની અમલવારીમાંથી મુક્તિ આપું છું. મેં કોંગ્રેસને સર્ટિફિકેશન સુપ્રત કર્યું છે કે આ સમયે આ પ્રકારની છૂટ આપવી અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે."
ગત મહિને ટ્રમ્પે 'લિન્ડસી ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026' બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકન સેનેટર લિન્ડસી ગ્રેહામના નામે બનેલા આ કાયદાનો હેતુ રશિયન બેંકો, ઊર્જા ક્ષેત્ર અને લશ્કરી કામગીરીને નાણાકીય ભંડોળ રોકવાનો હતો. આ કાયદા હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવામાં આવી હતી.
ભારત અને ચીન સહિત લગભગ 10 દેશો આ ટેરિફના દાયરામાં આવી શકે તેમ હતા. ભારત પર પહેલેથી જ ફોર્સ્ડ લેબરના મુદ્દે 10% પેનલ્ટી ટેરિફ ચાલુ છે, તેથી જો 100% વધારાનો ટેરિફ લાગ્યો હોત તો ભારત-અમેરિકા વેપારને ભારે આંચકો પહોંચ્યો હોત. હવે આ મુક્તિથી ભારત-અમેરિકા વેપાર પરનો સંભવિત ખતરો ટળ્યો છે.