વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના દાખલે મતદાર યાદીની દેશવ્યાપી તપાસ શરૂ કરી છે. આ માટે લગભગ 125 કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું છે. આ પ્રક્રિયા હેઠળ દેશની તમામ મતદાર યાદીઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરીને નવો 'નેશનલ વોટર ડેટાબેઝ' તૈયાર કરાશે.
આ નિર્ણયથી અમેરિકામાં વસતા આશરે 26 લાખ ભારતીય મૂળના લોકોમાં ચિંતા વધી છે. તેમાંથી 10 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કપાવાનું જોખમ છે. આ તપાસ આગામી નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
ટ્રમ્પ પ્રશાસને મતદાર ડેટાબેઝની દેખરેખની જવાબદારી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ને સોંપી છે. તમામ 50 રાજ્યોમાં મતદાર યાદીની તપાસ માટે કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે. મતદારોની માહિતીને સરકારી રેકોર્ડ્સ સાથે સરખાવવામાં આવશે.
અમેરિકામાં ભારતની જેમ ઘરે-ઘરે સર્વે થતો નથી, પરંતુ કમ્પ્યુટર દ્વારા ઇમિગ્રેશન રેકોર્ડ સહિતના અન્ય રેકોર્ડ સાથે માહિતી મેળવવામાં આવશે. જો નામ કે માહિતીનો મેળ ન ખાય તો તપાસ થઈ શકે છે અને નામ કાઢી નાખવાનો ખતરો છે.
ભારતવંશી મતદારો પર વધુ અસરનું કારણ એ છે કે ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં તેમની સંખ્યા અને રાજકીય પ્રભાવ મહત્વપૂર્ણ છે. આ રાજ્યોમાં વિવિધ નિયમો છે, જેના કારણે રેકોર્ડ મેળ ખાવામાં તકલીફ પડી શકે છે.
ટ્રમ્પ હંમેશાં મતદાન માટે ફોટો ID ફરજિયાત કરવાની માંગ કરતા આવ્યા છે. તેમણે 'સેવ અમેરિકા એક્ટ'ને સંસદમાં પસાર કરવા પર ભાર મૂક્યો છે. આ બિલમાં મતદાર નોંધણી વખતે નાગરિકતાનો પુરાવો અને ફોટો ID ફરજિયાત બનાવવાની દરખાસ્ત છે. તેમાં મેઇલ દ્વારા મતદાન પર પ્રતિબંધો પણ છે. આ બિલ પ્રતિનિધિ સભામાં પસાર થઈ ચૂક્યું છે, પરંતુ સેનેટમાં મંજૂરી નથી મળી.
અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા રાજ્ય સ્તરે સંચાલિત છે, તેથી નિયમો અલગ અલગ છે. કેટલાક રાજ્યોમાં ઓળખ માટે દસ્તાવેજો જરૂરી છે, જ્યારે કેટલાકમાં માત્ર સહી પૂરતી છે. ટેક્સાસમાં અગાઉ પણ 24 હજાર લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા, જે કોર્ટમાં પડકારાયા હતા. કોર્ટે રાહત આપી હતી અને મામલો પેન્ડિંગ છે.
નવી તપાસને લઈને અમેરિકામાં રાજકીય વિવાદ વધી શકે છે. ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોમાં મતભેદ છે. જોકે, કેટલા લોકોના નામ ખરેખર દૂર થશે તે પ્રક્રિયા પૂરી થયા પછી જ સ્પષ્ટ થશે.