સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પે ઇલોન મસ્કને આભાર માન્યો: અમેરિકન બાળકોને સ્પેસએક્સના શેર ભેટ આપવાની જાહેરાબાબત

ટ્રમ્પે ઇલોન મસ્કને આભાર માન્યો: અમેરિકન બાળકોને સ્પેસએક્સના શેર ભેટ આપવાની જાહેરાબાબત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કનો આભાર માન્યો છે. મસ્કે 19 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તેઓ આવતા વર્ષે અમેરિકાના દરેક બાળકને તેમની કંપની સ્પેસએક્સનો એક શેર ભેટમાં આપશે. આ જાહેરાત 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં કરવામાં આવી છે.

ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “મારા મિત્ર ઇલોન મસ્કનો ખૂબ ખૂબ આભાર, જેમણે ‘ટ્રમ્પ અકાઉન્ટ્સ’ મારફતે લાખો અમેરિકન બાળકોને સ્પેસએક્સના શેર આપવાની જાહેરાત કરીને ઉદારતા દર્શાવી છે. જ્યારે અમે ‘ટ્રમ્પ અકાઉન્ટ્સ’ બનાવ્યાં હતાં, ત્યારે આ જ વિચાર હતો – ખાનગી ક્ષેત્ર, ઇલોન અને અન્ય લોકોને સાથે લાવીને આપણા બાળકોમાં રોકાણ કરવું, જે આપણી સૌથી મોટી સંપત્તિ છે, અને દરેક અમેરિકન બાળકને ‘અમેરિકન ડ્રીમ’નો હિસ્સો આપવો. થેન્ક યુ ઇલોન!”

હાલમાં સ્પેસએક્સના એક શેરની કિંમત 146 ડૉલર એટલે કે આશરે 14,000 રૂપિયા છે. અમેરિકામાં આશરે 7.2 કરોડ બાળકો છે. આમ, વહેંચવાના શેરોનું મૂલ્ય લગભગ 1 લાખ કરોડ રૂપિયા થશે. જોકે, કરોડો બાળકો સુધી આ શેર કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે મસ્ક કે તેમની કંપની તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

મસ્કની આ જાહેરાતની રાજકીય અસર અંગે ચર્ચા થઈ રહી છે. અમેરિકામાં 3 નવેમ્બર 2026ના રોજ મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટીને ટેકો આપવા માટે મસ્ક લગભગ 36.6 કરોડ ડોલર ખર્ચી ચૂક્યા છે. જોકે, ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ જાહેરાત કરવામાં આવી છે તેવો કોઈ પુરાવો નથી. બીજી તરફ, સ્પેસએક્સનાં પ્રમુખ ગ્વિન શોટવેલ અને તેમના પતિએ પણ 20 લાખથી વધુ બાળકોના ખાતામાં સ્પેસએક્સના શેર આપવાનું વચન આપ્યું છે.

ટ્રમ્પ સરકારે પણ બાળકો માટે ‘ટ્રમ્પ અકાઉન્ટ્સ’ નામના ખાતાં શરૂ કર્યાં છે. આ યોજના હેઠળ નક્કી કરેલા નિયમો પૂર્ણ કરનારા બાળકોના ખાતામાં સરકાર 1,000 ડૉલર જમા કરાવશે. આ યોજનાનો લાભ 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2028 વચ્ચે જન્મેલા બાળકોને મળશે.

મસ્કે પોતાની પોસ્ટમાં ‘અમેરિકાના દરેક બાળક’ની વાત કરી છે, પરંતુ અમલીકરણ અંગે ઘણી ગૂંચવણો છે. શું શેર ફક્ત અમેરિકન નાગરિકતા ધરાવતા બાળકોને જ મળશે કે અમેરિકામાં રહેતા અન્ય બાળકોને પણ? ઉંમરની કોઈ મર્યાદા જણાવવામાં આવી નથી – શું નવજાત શિશુઓને પણ શેર મળશે? માતાપિતાએ કયા દસ્તાવેજો જમા કરાવવા પડશે, કોઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે કે અન્ય કોઈ પ્રક્રિયા હશે, તે અંગે કોઈ માહિતી નથી.

શેર બાળકોના નામે સીધા જ રહેશે કે બાળક મોટો ન થાય ત્યાં સુધી માતાપિતાના ખાતામાં રહેશે? બાળક અથવા તેમના માતાપિતા આ શેર જ્યારે ઇચ્છે ત્યારે વેચી શકશે કે નહીં, અથવા ટ્રાન્સફર કરી શકશે કે નહીં તે પણ કંપનીએ જણાવ્યું નથી. એક શેરની કિંમત તે સમયે કંપનીના કુલ વેલ્યુએશન અને બાળકોને આપવામાં આવતા શેરની કેટેગરી પર નિર્ભર રહેશે. મસ્કે એ પણ જણાવ્યું નથી કે આ કયા ક્લાસનો શેર હશે અને શું બાળકોને અન્ય શેરહોલ્ડર્સની જેમ વોટિંગ અધિકાર મળશે.

30 જૂન 2026 સુધીની નિયામકીય ફાઇલિંગ મુજબ સ્પેસએક્સમાં મસ્કની કુલ હિસ્સેદારી 48.4% છે, જેની કિંમત આશરે 860 બિલિયન ડૉલર એટલે કે લગભગ 72 લાખ કરોડ રૂપિયા હતી. મસ્ક પાસે કુલ 6.42 અબિલિયન શેર છે, જે વિવિધ ક્લાસ અને ટ્રસ્ટમાં વહેંચાયેલા છે.