સત્ય. સાહસ. સંકલ્પ.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સુંદર પિચાઇને 'મોન્સ્ટર' કહ્યા, ગૂગલ CEOએ હાજરજવાબી જવાબ આપ્યો

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સુંદર પિચાઇને 'મોન્સ્ટર' કહ્યા, ગૂગલ CEOએ હાજરજવાબી જવાબ આપ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 29 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં Google, Meta, Nvidia અને Anthropic જેવી કંપનીઓના વડાઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય વિષય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના નિયમન અને તેના જોખમોને લગતો હતો.

પત્રકારો સાથે વાત કરતી વખતે ગૂગલના CEO સુંદર પિચાઇ કંઈક કહેવા માટે આગળ આવ્યા. તેમને હળવાશથી અટકાવતા ટ્રમ્પે તેમની તરફ ઈશારો કરીને કહ્યું કે, "આ વ્યક્તિ એક 'મોન્સ્ટર' છે, પણ સામાન્ય લોકો તેમને ઓળખતા નથી. તેમનું જીવન કેટલું સરસ છે કે તેઓ આટલા મોટા 'મોન્સ્ટર' હોવા છતાં હંમેશા મીડિયાના ધ્યાનમાં રહેવું પડતું નથી. જો તમારે નામ યાદ રાખવું હોય તો બસ 'સુંદર' યાદ રાખો!"

અહીં 'મોન્સ્ટર' શબ્દ નકારાત્મક અર્થમાં નહીં, પણ ટેક ક્ષેત્રમાં સુંદર પિચાઇના પ્રચંડ પ્રભાવ અને સફળતાની પ્રશંસા કરવા માટે વાપરવામાં આવ્યો હતો.

ટ્રમ્પની આ વાત સાંભળીને પિચાઇ પણ હસી પડ્યા. તેમણે તરત જ પોતાના શાંત અને રમૂજી અંદાજમાં જવાબ આપ્યો: "હું આશા રાખું છું કે 'આઇ એમ અ મોન્સ્ટર' કરતાં મને કોઈ સારી ટેગલાઇન મળશે!"

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ AIના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને મોટી ટેક કંપનીઓ વચ્ચે સ્વૈચ્છિક કરાર (Voluntary Agreement) કરાવવાનો હતો. આ કરાર હેઠળ કંપનીઓ પોતાના AI મોડલ્સ પર આંતરિક દેખરેખ કડક બનાવશે, નિયમિત રિવ્યુ કરશે અને બાહ્ય નિષ્ણાતો પાસે સિસ્ટમનું મૂલ્યાંકન કરાવશે. પિચાઇએ કહ્યું કે, "જેમ કંપનીઓ નાણાકીય વહીવટ માટે કડક નિયંત્રણો રાખે છે, તેમ હવે સુપર ઇન્ટેલિજન્સના વિકાસમાં પણ આંતરિક નિયંત્રણો લાગુ કરવા ટેક જગત સંમત થયું છે."

આ સાથે જ ટ્રમ્પ પ્રશાસને 29 સપ્ટેમ્બરે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જે મુજબ હવે તમામ સરકારી દસ્તાવેજોમાં 'AI' (Artificial Intelligence)ને બદલે 'સુપર ઇન્ટેલિજન્સ' (Super Intelligence - SI) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ આદેશ ફક્ત અમેરિકી વહીવટીતંત્રની સત્તાવાર ભાષા પૂરતો સીમિત છે.