ભારતીય મૂળના ન્યાયાધીશ નવનીતમ પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને ICCના નાણાકીય વ્યવહારો રોકવા અને તેની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો.
અમેરિકાનું કહેવું છે કે ICC તેમના અને ઇઝરાયલના નાગરિકો સામે યુદ્ધ અપરાધના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. ઉલ્લેખનીય છે કે, ICCએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યા છે.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે, 'અમેરિકા અને તેના નાગરિકો આ ફર્જી અદાલતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ICCના નાણાકીય વ્યવહારો રોકશે, તેની સંપત્તિ અને સંસાધનો જપ્ત કરશે તથા અમેરિકન કંપનીઓને ICC સાથેના તમામ કારોબાર પૂરા કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો આ મુદ્દે એકસમાન વિચાર ધરાવે છે અને આ ખતરાને ખતમ કરવા માટે જ પ્રમુખ ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.'
જોકે, ICCએ સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ કરશે નહીં. ICCના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાને અમેરિકન નિર્ણયની નિંદા કરતાં કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે તપાસ અને કેસો આગળ વધારશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા. નોબેલ કમિટી પર આ દબાણની કોઈ અસર થઈ નથી અને શુક્રવારે ન્યાયાધીશ પિલ્લઈને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ જાહેરાત પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ટ્રમ્પના નામની સત્તાવાર ભલામણ કરી હતી, જેને પગલે પાકિસ્તાનમાં તેમની ભારે ફજેતી થઈ હતી.