સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનો રશિયા સાથે ડીઝલ કરાર, ઝેલેન્સ્કીએ કહ્યું- યુદ્ધ લંબાવવાનું કામ

ટ્રમ્પનો રશિયા સાથે ડીઝલ કરાર, ઝેલેન્સ્કીએ કહ્યું- યુદ્ધ લંબાવવાનું કામ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે ડીઝલ પુરવઠાનો કરાર કર્યો છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની ટેલિફોનિક વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે રશિયા અમેરિકા અને વૈશ્વિક બજારને તાત્કાલિક 3 લાખ મેટ્રિક ટનથી વધુ ડીઝલ સપ્લાય કરવા સંમત થયું છે. નવેમ્બરમાં વધુ 5 લાખ મેટ્રિક ટન અને ત્યારબાદ 1 મિલિયન મેટ્રિક ટન ડીઝલ મળશે તેવી પણ તેમણે માહિતી આપી હતી.

આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલા બળતણના વધતા ભાવને કાબૂમાં લેવા માટે ટ્રમ્પ પ્રશાસન આ પ્રયાસ કરી રહ્યું છે તેવું મનાય છે.

યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આ કરારની સખત આલોચના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, 'પુતિનને આ પ્રકારની ભેટ આપવાથી દુનિયાને કોઈ શાંતિ કે ફાયદો નહીં થાય.' ઝેલેન્સ્કીના મતે પેટ્રોલિયમ પ્રોડક્ટ વેચવાની પરવાનગી આપવાથી રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે વધારાનું ભંડોળ અને સંસાધનો મળશે, જેનાથી યુદ્ધ લાંબું ખેંચાશે.

આ સમજૂતી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે યુક્રેનનું એક પ્રતિનિધિ મંડળ રશિયા સાથેના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાની મુલાકાતે હતું. ઝેલેન્સ્કીએ આ પગલાને મજબૂત ભાગીદારો દ્વારા લેવાયેલો નબળો નિર્ણય ગણાવ્યો છે. તેમણે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'મને લાગે છે કે મારી ટીમનો ઉપયોગ માત્ર એક મોહરા તરીકે કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી અને ભાગીદારોએ એકબીજા સાથે આવું વર્તન ન કરવું જોઈએ.'