અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં અસંતોષના સંકેતો દેખાઈ રહ્યા છે. નવેમ્બરમાં યોજાનારી મધ્યાવધિ ચૂંટણી નજીક આવતાં પાર્ટીના ઘણા ઉમેદવારો ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા છે. કેટલાકે પોતાની ચૂંટણી વેબસાઇટ પરથી ટ્રમ્પ અને તેમના 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડાનો ઉલ્લેખ હટાવી દીધો છે, જ્યારે કેટલાક નેતાઓ તેમની સાથે મંચ વહેંચવાનું ટાળી રહ્યા છે.
એપી-નોર્ક સર્વે અનુસાર, માત્ર 30% અમેરિકનો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે. અર્થતંત્ર અંગે તેમની મંજૂરી રેટિંગ 26% છે, જ્યારે મોંઘવારી સંભાળવાના મામલે આ આંકડો માત્ર 17% છે. 65%થી વધુ અમેરિકનો વધતી કિંમતો માટે ટ્રમ્પની નીતિઓને જવાબદાર માને છે.
ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અમેરિકાના સાંસદ એશ્લે હિન્સન અને મિશિગનના સેનેટ ઉમેદવાર માઈક રોજર્સે ઈરાન યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવાની માગ કરી છે. બંને અગાઉ ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીને સમર્થન આપતા હતા. આયવાના સાંસદ જેક નન અને મેરિયાનેત મિલર-મીક્સે ટ્રમ્પની યુદ્ધસંબંધિત સત્તાઓ મર્યાદિત કરવા ડેમોક્રેટ્સ સાથે મતદાન કર્યું હતું. ફ્લોરિડાના સાંસદ મારિયાએ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ઘણા ઉમેદવારોએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પ માટે પ્રચાર કરવા માંગતા નથી.
રિપબ્લિકન ઉમેદવારોની બેચેની પાછળનું સૌથી મોટું કારણ અર્થતંત્ર છે. 24થી 28 સપ્ટેમ્બર દરમિયાન થયેલા એપી-નોર્ક સર્વેમાં માત્ર 17% અમેરિકનોએ કહ્યું કે તેઓ ટ્રમ્પ જીવનનિર્વાહનો ખર્ચ સંભાળી રહ્યા છે તેનાથી સંતુષ્ટ છે. અર્થતંત્ર અંગે તેમની મંજૂરી રેટિંગ 26% રહી, જ્યારે એકંદર કામગીરીથી 10માંથી માત્ર 3 અમેરિકનો સંતુષ્ટ છે. 64% લોકો માને છે કે ટેરિફના મામલે ટ્રમ્પ જરૂર કરતાં વધુ આગળ વધી ગયા છે. રિપબ્લિકન ઉમેદવારો મોંઘવારી વિરુદ્ધ પ્રચાર કરવા માંગે છે, પરંતુ વ્હાઇટ હાઉસમાં પોતાની જ પાર્ટીના રાષ્ટ્રપતિની આર્થિક નીતિઓથી સંપૂર્ણપણે અલગ પડી શકતા નથી.
ટ્રમ્પથી અંતર રાખનારાઓમાં ગવર્નર પદના ઉમેદવારો વિસ્કોન્સિનના ટોમ ટિફની, એરિઝોનાના એલી ક્રેન અને જ્યોર્જિયાના રિક જેક્સનનો સમાવેશ થાય છે. સાંસદોમાં જ્યોર્જિયાના માર્જરી ટેલર, કેન્ટકીના જેમ્સ કોમર, ઓહાયોના જિમ જોર્ડન અને સાઉથ કેરોલિનાની નૅન્સી મેસનો સમાવેશ થાય છે, જેઓ લાંબા સમયથી ટ્રમ્પના સમર્થક રહ્યા છે.
ઓહાયોના ગવર્નરપદની ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પણ પાછળ છે. 24થી 27 સપ્ટેમ્બર દરમિયાનના મેરિસ્ટ સર્વેમાં ડેમોક્રેટ એમી એક્ટનને 50% અને રામાસ્વામીને 44% સમર્થન મળ્યું છે. ટ્રમ્પે 2024માં આ રાજ્ય 11 પોઈન્ટથી જીત્યું હતું. આ સર્વેમાં ટ્રમ્પની મંજૂરી રેટિંગ 42% રહી, જ્યારે 41% મતદારોએ કહ્યું કે તેમનો મત મુખ્યત્વે ટ્રમ્પ વિરુદ્ધ હશે.
રિપબ્લિકન પાર્ટીની ચિંતા રાષ્ટ્રીય ચૂંટણીના આંકડાઓથી વધી છે. નેટ સિલ્વરના સરેરાશ મુજબ, સપ્ટેમ્બરની શરૂઆતમાં કોંગ્રેસના જેનરિક બેલેટમાં ડેમોક્રેટ્સની સરસાઈ 6.7 પોઈન્ટ હતી, જે હવે વધીને 9 પોઈન્ટ થઈ ગઈ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આટલી સરસાઈ રિપબ્લિકન્સ માટે ગંભીર ખતરો છે. સેનેટમાં પણ સ્થિતિ મુશ્કેલ બની છે. રિપબ્લિકન્સ હાલમાં 53-47ની સરસાઈ ધરાવે છે, પરંતુ કેટલીક બેઠકો સ્પર્ધાત્મક બની ગઈ છે, જેને અગાઉ સુરક્ષિત માનવામાં આવતી હતી.