અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને 'સુપર ઇન્ટેલિજન્સ' (SI) તરીકે ઓળખવાનો આદેશ આપ્યો છે. આ માટે તેમણે 'સુપર ઇન્ટેલિજન્સના યુગની શરૂઆત' નામના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. હવે અમેરિકન સરકારી વિભાગો અને એજન્સીઓએ તેમના સત્તાવાર પત્રવ્યવહાર, વેબસાઇટ, રિપોર્ટ અને નીતિગત દસ્તાવેજોમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' કે 'AI'ના બદલે 'સુપર ઇન્ટેલિજન્સ' અને 'SI' લખવાનું રહેશે. જોકે, આ ફેરફાર જૂના રેકોર્ડ, પહેલાના નિયમો કે ચાલુ સરકારી કરારો પર લાગુ થશે નહીં.
આ નિર્ણય પાછળ ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ છે કે આજની AI સિસ્ટમોની ક્ષમતાઓ ફક્ત માનવ બુદ્ધિની નકલ પૂરતી સીમિત નથી. આ ટેક્નોલોજી વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર અને માનવ પ્રયાસોના દરેક ક્ષેત્રમાં અઘરા લાગતા કામો શક્ય બનાવી રહી છે. તેથી સરકારની ભાષા પણ આ વ્યાપક ક્ષમતાઓ દર્શાવે તે જરૂરી છે. હાલમાં કાયદામાં AIની જૂની વ્યાખ્યા ચાલુ રહેશે, પરંતુ વૈજ્ઞાનિક સલાહકારને આગામી 60 દિવસમાં સંસદ સમક્ષ નવો પ્રસ્તાવ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ આદેશ વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથેની બેઠક બાદ આવ્યો છે. આ બેઠકમાં ઈલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને જેસન હુઆંગ જેવા દિગ્ગજો હાજર હતા. પ્રમુખ ટ્રમ્પે આ તકનીકી બદલાવને અમેરિકા માટે અભૂતપૂર્વ અવસર ગણાવ્યો અને કહ્યું કે તે ઇન્ટરનેટથી પણ મોટો બદલાવ સાબિત થઈ શકે છે.
બેઠક બાદ ટેક કંપનીઓના અધિકારીઓએ 'વ્હાઇટ હાઉસ એકોર્ડ' વિશે માહિતી આપી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સુપર ઇન્ટેલિજન્સનો સુરક્ષિત વિકાસ કરવાનો છે. માર્ક ઝુકરબર્ગ અને અન્ય દિગ્ગજોએ આ ટેક્નોલોજી પર લોકોના વિશ્વાસની જરૂરિયાત પર ભાર મૂક્યો. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક તકનીકી સ્પર્ધામાં અમેરિકા આગળ રહે તે મહત્ત્વનું છે.