સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પે ઈરાનનો હોર્મુઝ પ્રસ્તાવ ફગાવ્યો, ચૂંટણી પછી લશ્કરી કાર્યવાહીની ચેતવણી

ટ્રમ્પે ઈરાનનો હોર્મુઝ પ્રસ્તાવ ફગાવ્યો, ચૂંટણી પછી લશ્કરી કાર્યવાહીની ચેતવણી

ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ સાત દિવસનો એક પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત ફરી શરૂ કરવા તૈયાર થયું હતું. બદલામાં ઈરાને ત્રણ શરતો મૂકી હતી. પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને શંકા છે કે ઈરાન પોતાની માંગણીઓ પૂરી નહીં કરે. તેમણે સહયોગીઓને સંકેત આપ્યો છે કે નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાન પર ફરી લશ્કરી કાર્યવાહી શરૂ થઈ શકે છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, અમેરિકા શરતો સ્વીકારે તો સાત દિવસની સમયસીમા તે જ દિવસથી શરૂ થાય. પહેલા પાંચ દિવસમાં અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવી અને લેબનાનને પણ સાંકળતો યુદ્ધવિરામ અમલી બનાવવો. છઠ્ઠા દિવસે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલે. સાતમા દિવસે બંને દેશ વચ્ચે પરમાણુ મુદ્દે સત્તાવાર વાટાઘાટો ફરી શરૂ થાય.

'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી. જોકે, હુમલો થાય તો તેનો વ્યાપ કેટલો મોટો હશે તે અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. હાલ અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી ટ્રમ્પ અત્યારે મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી. અમેરિકા પોતાનો શસ્ત્રભંડાર ભવિષ્યની અન્ય સંભવિત જરૂરિયાતો માટે બચાવી રાખવા માંગે છે.

બીજી બાજુ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે દબાણ કે ધમકીઓ સામે પોતાના સાર્વભૌમ અધિકારો સાથે બાંધછોડ નહીં કરે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વાટાઘાટો મારફતે વિવાદ ઉકેલવાના વલણનું સ્વાગત કર્યું હતું.