અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાતીય હુમલાનો નવો આરોપ લાગ્યો છે. અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ન્યાયિક સમિતિના ડેમોક્રેટિક સભ્યોએ 53 પાનાનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં પૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડ અને મોડેલ બીટ્રિસ કેઉલે ટ્રમ્પ પર નવેમ્બર 1993માં બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ 2024માં બીટ્રિસે ટ્રમ્પ પર દુર્વ્યવહાર અને બળજબરીથી સ્પર્શ કરવાના આક્ષેપો કર્યા હતા. હવે તેમણે આ ઘટનાને બળાત્કાર ગણાવી છે. રિપોર્ટમાં ટ્રમ્પ અને જેફરી એપ્સ્ટેઇન વચ્ચેના કથિત સંબંધોનો પણ ઉલ્લેખ છે. એપ્સ્ટેઇન સગીરોના સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં 2019માં કસ્ટડીમાં મૃત્યુ પામ્યો હતો; તેને આત્મહત્યા ગણાવવામાં આવી હતી.
બીટ્રિસના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે 23-24 વર્ષના હતા ત્યારે ન્યૂ યોર્કની પ્લાઝા હોટેલમાં એક સ્પર્ધા દરમિયાન ટ્રમ્પને મળ્યા હતા. તે સમયે આ હોટેલ ટ્રમ્પની માલિકીની હતી. બીટ્રિસનો આરોપ છે કે ટ્રમ્પે તેમને કહ્યું હતું કે, "હું તમારી સંભાળ રાખીશ," અને અમેરિકાના વિઝા તથા ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનું વચન પણ આપ્યું હતું. બાદમાં જેફરી એપ્સ્ટેઇને પણ તેમનો સંપર્ક કરી માર-એ-લાગો ખાતે એક પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રમ્પના એક પ્રતિનિધિએ બીટ્રિસને એટલાન્ટિક સિટીની ટ્રમ્પ પ્લાઝા હોટેલમાં ઉપરના માળે એક બેઠક માટે બોલાવ્યા હતા. બીટ્રિસનો આરોપ છે કે રૂમમાં પ્રવેશતા જ ટ્રમ્પે તેમને પકડી લીધા અને તેમની સાથે ક્રૂર રીતે બળાત્કાર ગુજાર્યો. આ હુમલા દરમિયાન તેમના કપડાં ફાટી ગયા હતા અને તેમને ઇજાઓ થવાથી લોહી પણ વહેવા લાગ્યું હતું.
ડેમોક્રેટ્સનું કહેવું છે કે બીટ્રિસનું આ નિવેદન ટ્રમ્પ સામે અગાઉ લાગેલા અન્ય જાતીય હુમલાના આરોપો સાથે સુસંગત છે. હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટિક સભ્ય જેમી રાસ્કિને અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) પર રાષ્ટ્રપતિના ગુનાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, "ઓછામાં ઓછી 5 મહિલાઓએ ટ્રમ્પ પર એપ્સ્ટેઇન દ્વારા અથવા તેમની હાજરીમાં બળાત્કારનો સીધો આરોપ લગાવ્યો છે." ડેમોક્રેટ્સે એટર્ની જનરલ પાસે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે ખાસ તપાસકર્તાની નિમણૂક કરવાની માંગ કરી છે.
તેમનો દાવો છે કે હાલમાં ન્યાય વિભાગ અને એફબીઆઈ ન્યાય આપવાને બદલે માત્ર ટ્રમ્પને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડેમોક્રેટ્સે એવી પણ ટીકા કરી છે કે ન્યાય વિભાગ તરફથી નિષ્પક્ષ કાર્યવાહીની અપેક્ષા રાખવી અશક્ય છે, કારણ કે ન્યાય વિભાગના વડા ટોડ બ્લેન્ચ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસે આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ ડેમોક્રેટ્સનો રાષ્ટ્રપતિની ઐતિહાસિક સિદ્ધિઓથી જનતાનું ધ્યાન હટાવવાનો નિરાશાજનક પ્રયાસ છે. ટ્રમ્પે હંમેશાં એવો બચાવ કર્યો છે કે એપ્સ્ટેઇન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાયો તે પહેલાં જ તેમણે તેની સાથેની મિત્રતી તોડી નાખી હતી.