સત્ય. સાહસ. સંકલ્પ.

શેનઝેનમાં 81 વર્ષ પછી ટ્રમ્પ, પુતિન અને શી એક જ મંચ પર?

શેનઝેનમાં 81 વર્ષ પછી ટ્રમ્પ, પુતિન અને શી એક જ મંચ પર?

ચીનના શેનઝેન શહેરમાં 18 અને 19 નવેમ્બર, 2026ના રોજ એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC)નું સંમેલન યોજાવાનું છે. આ સંમેલન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સંયુક્ત બેઠકનો પ્રસ્તાવ છે. ત્રણેય નેતાઓ એકસાથે પ્રથમ વખત બેસશે.

પુતિન અને શી 40થી વધુ વખત મળ્યા છે, ટ્રમ્પ અને પુતિન 7 વખત તથા ટ્રમ્પ અને શી 3 વખત મળ્યા છે. પરંતુ ત્રણેય નેતાઓની સંયુક્ત બેઠક ક્યારેય થઈ નથી. બેઠકમાં પરમાણુ શસ્ત્રો, યુક્રેન યુદ્ધ અને ઈરાન યુદ્ધ જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે.

યાલ્ટા સંમેલન શું હતું?

4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન ક્રિમિયાના યાલ્ટા શહેરમાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત સંઘના નેતા જોસેફ સ્ટાલિન મળ્યા હતા. તે સમયે બીજું વિશ્વ યુદ્ધ આખરી તબક્કામાં હતું અને જર્મનીની હાર નક્કી મનાતી હતી.

આ બેઠકમાં જર્મનીને અલગ-અલગ દેશોના કબજાવાળા વિસ્તારોમાં વહેંચવાની સહમતિ થઈ. પાછળથી ફ્રાન્સને પણ જર્મનીના વહીવટમાં સામેલ કરાયું. સંયુક્ત રાષ્ટ્રની રચનાની પ્રક્રિયા આગળ વધારવા અને તેની સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યોને વીટોનો અધિકાર આપવા પર પણ સહમતિ બની. પોલેન્ડ અને પૂર્વ યુરોપના બીજા દેશોમાં નવી સરકારો અને મુક્ત ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ. સોવિયેત સંઘ જાપાન સામેના યુદ્ધમાં સામેલ થવા સહમત થયો અને બદલામાં તેને એશિયામાં કેટલાક વ્યૂહાત્મક અધિકારો મળવાના હતા.

યાલ્ટા પર સવાલ કેમ ઉઠ્યા?

યાલ્ટામાં ત્રણેય નેતાઓએ મુક્ત ચૂંટણી અને લોકોને પોતાની સરકાર પસંદ કરવાના અધિકારની વાત કરી હતી. પરંતુ યુદ્ધ પછી સોવિયેત સંઘે પૂર્વ યુરોપના ઘણા દેશોમાં પોતાનો પ્રભાવ વધાર્યો. પોલેન્ડ સહિતના દેશોમાં સામ્યવાદી સરકારો બન્યા. આનાથી અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે તણાવ વધ્યો અને કોલ્ડ વૉરની સ્થિતિ સર્જાઈ. એટલે યાલ્ટાને શાંતિના પ્રયાસ ઉપરાંત મહાસત્તાઓ વચ્ચે પ્રભાવ ક્ષેત્ર નક્કી કરનારી બેઠક તરીકે પણ જોવામાં આવે છે. નાના દેશોની ચિંતા હતી કે તેમના ભવિષ્યના નિર્ણયો તેમની ભાગીદારી વગર લેવાઈ શકે છે.

શું શેનઝેનમાં યાલ્ટા જેવા નિર્ણયો થશે?

શેનઝેનની બેઠક અંગે સૌથી મોટી ચર્ચા એ છે કે શું ત્રણેય નેતાઓ દુનિયાના અલગ-અલગ ભાગોમાં પોતાનો પ્રભાવ વધારવાની કે એકબીજા સાથે સમજૂતી કરવાની કોશિશ કરશે. જોકે બંને બેઠકોની પરિસ્થિતિ અલગ છે. યાલ્ટા વખતે ત્રણેય દેશ બીજા વિશ્વ યુદ્ધમાં સહયોગી હતા. આજે અમેરિકા, ચીન અને રશિયાના હિતો ઘણા મુદ્દાઓ પર ટકરાય છે. રશિયા ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધનો અંત તેની શરતો પર આવે અને પુતિન આ બેઠક દ્વારા રશિયાને દુનિયાની મોટી મહાસત્તા તરીકે બતાવવા માંગે છે.