સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનો PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ: ભારતીય ટેલેન્ટ પર અસર, અમેરિકી નાગરિકોને શું મળશે?

ટ્રમ્પનો PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ: ભારતીય ટેલેન્ટ પર અસર, અમેરિકી નાગરિકોને શું મળશે?

અમેરિકાની ટેકનોલોજી ઉદ્યોગમાં ભારતીય મૂળના દિગ્ગજોની લાંબી યાદી છે. ગૂગલના CEO સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, એડોબીના શાંતનુ નારાયણ, IBMના અરવિંદ કૃષ્ણા અને માઈક્રોનના સંજય મેહરોત્રા જેવા નેતાઓ દુનિયાની અગ્રણી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. આ કંપનીઓ અમેરિકાની આર્થિક પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમ છતાં, હવે અમેરિકામાં વિદેશી કર્મચારીઓની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે.

તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને અપાતા PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળ એવો તર્ક આપવામાં આવ્યો કે વિદેશી કર્મચારીઓના કારણે અમેરિકી નાગરિકોના રોજગારીની તકો ઘટી રહી છે. 8 ઓક્ટોબરે અમેરિકાએ Microsoft, TCS, Infosys, Wipro, HCLTech, Cognizant, Capgemini અને Adobe જેવી 8 કંપનીઓને PERM ગ્રીન કાર્ડ શ્રેણીમાંથી બહાર કરી દીધી છે.

PERM ગ્રીન કાર્ડ એ ગ્રીન કાર્ડ નથી, પરંતુ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાનું મહત્ત્વનું પગલું છે. ટ્રમ્પ પ્રશાસનનું લક્ષ્ય માત્ર કંપનીઓ પર નહીં, પરંતુ તે પદ્ધતિ પર પણ છે, જેના દ્વારા હજારો કુશળ ભારતીયો અને અન્ય વિદેશી કર્મચારીઓ અમેરિકામાં સ્થાયી થવાની આશા રાખે છે.

ટ્રમ્પ પ્રશાસનનો મુખ્ય તર્ક એ છે કે વિદેશી કર્મચારીઓની ભરતીથી અમેરિકન નાગરિકો માટે રોજગારીની તકો ઘટે છે. અમેરિકાના શ્રમ વિભાગે અમેરિકન કર્મચારીઓના હિતોને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે H-1B વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓના વેતન અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે કેટલીક પરિસ્થિતિઓમાં વિદેશી કર્મચારીઓને સમકક્ષ અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. જો કે આ આરોપોના સમર્થનમાં કોઈ ડેટા જાહેર કરાયો નથી.

જ્યારે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે કુશળ ભારતીયો અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે, ત્યારે અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીય ટેક કંપનીઓના યોગદાનનો ડેટા પણ જોવો જોઈએ. NASSCOM અને S&P Globalના 2021ના અભ્યાસ મુજબ, ભારતીય ટેક કંપનીઓએ અમેરિકામાં આશરે 103 અબજ ડોલરની આવક ઊભી કરી હતી અને લગભગ 2.07 લાખ લોકોને સીધી રોજગારી આપી હતી. આ ઉપરાંત, ભારતીય ટેક ઉદ્યોગ સાથે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિઓથી અમેરિકામાં કુલ 396 અબજ ડોલરના વ્યવસાયનું સર્જન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડેટા દર્શાવે છે કે આર્થિક સંબંધો એકતરફી નથી.