સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનું ન્યૂ મેક્સિકોનું નામ 'ન્યૂ અમેરિકા' રાખવાનું સૂચન, સેનેટરનો વિરોધ

ટ્રમ્પનું ન્યૂ મેક્સિકોનું નામ 'ન્યૂ અમેરિકા' રાખવાનું સૂચન, સેનેટરનો વિરોધ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' રાખવાનું સૂચન કર્યું છે. સોમવારે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે ન્યૂ મેક્સિકોએ તાત્કાલિક પોતાનું નામ બદલીને ન્યૂ અમેરિકા રાખવું જોઈએ, કારણ કે તે યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ છે. જોકે, આ સૂચનથી કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ હોવાના અહેવાલ નથી.

ટ્રમ્પે દલીલ કરી હતી કે રાજ્ય મેક્સિકો નથી, પરંતુ અમેરિકાનો ભાગ છે. તેમના મતે નામ બદલવાથી રાજ્યનું મહત્ત્વ અને પ્રતિષ્ઠા વધશે તથા રહેવાસીઓમાં અમેરિકાના ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બનશે.

આ પહેલાં પણ ટ્રમ્પ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા અને લેક ઓન્ટારિયોનું નામ લેક અમેરિકા રાખવાના સૂચનોને લઈને ચર્ચામાં રહ્યા હતા. હવે ન્યૂ મેક્સિકોના નામ અંગેના તેમના સૂચનથી સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકોએ મજાકમાં ટિપ્પણી કરી છે કે ટ્રમ્પ ભવિષ્યમાં આખા અમેરિકાનું નામ બદલીને 'ન્યૂ ઇન્ડિયા' રાખવાનું સૂચન કરી શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર બેન રે લુજાને ટ્રમ્પના સૂચનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ન્યૂ મેક્સિકોનું નામ અમેરિકાની સ્થાપના પહેલાંથી ઇતિહાસ અને ઓળખ સાથે જોડાયેલું છે. રાજ્યના રહેવાસીઓને પોતાના નામ અને વતન પર ગર્વ છે અને તેઓ પોતાની ઓળખ જાળવી રાખશે.

ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજ્યનું નામ આપમેળે બદલાઈ શકતું નથી. નામ બદલવા માટે રાજ્યની બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન જરૂરી છે. તેથી ટ્રમ્પનું આ નિવેદન હાલ સૂચન પૂરતું છે. બીજી તરફ, સેનેટર બર્ની સેન્ડર્સે ટ્રમ્પની ટીકા કરતાં તેમને ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવા અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવો પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.