અમેરિકામાં યોજાયેલી મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટી જીત મેળવી છે. જોકે, આ જીત પછી પણ વ્હાઇટ હાઉસે નમતું જોખવાને બદલે આક્રમક વલણ ચાલુ રાખ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ પક્ષના બહુમતી ગૃહ સામે ઝૂકવાના કોઈ સંકેત આપ્યા નથી.
વ્હાઇટ હાઉસે 13 મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ લડવાનું બંધ કરશે નહીં. આ ઘોષણાપત્રમાં રાજકીય વિરોધીઓ, મીડિયા આલોચકો અને અફવાઓ ફેલાવનારાઓ પર નિશાન સાધવામાં આવ્યું છે.
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રાષ્ટ્રપ્રમુખ તરીકેના બાકીના બે વર્ષમાં ડેમોક્રેટ્સ ટ્રમ્પ સરકારના નિર્ણયો પલટાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેઓ નિષ્ફળ જશે. વહીવટીકાળની સિદ્ધિઓની યાદી આપીને સરકારે જણાવ્યું કે તે તમામ નિર્ણયોનું રક્ષણ કરશે.
આગામી દિવસોમાં કયા મુદ્દે ટકરાવ થઈ શકે છે તેની યાદી પણ પ્રશાસને બહાર પાડી છે. જેમાં સરહદ સુરક્ષા, કરવેરા, કાયદો-વ્યવસ્થા અને ગેરકાયદે પ્રવાસીઓના મુદ્દાનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે ડેમોક્રેટ્સ સુરક્ષિત સીમાઓ ફરી ખોલવા, આર્થિક વૃદ્ધિ વચ્ચે કરવેરા વધારવા, કાયદો અને વ્યવસ્થા એજન્સીઓને નબળી પાડવા અને ગેરકાયદે પ્રવાસીઓનો ઉપદ્રવ વધારવાનો પ્રયાસ કરશે.
ઉપરાંત, ગ્રીન ન્યૂ ડીલ પુનર્જીવિત કરવા, ઊર્જા ક્ષેત્રે પ્રભુત્વ છોડવા, સગીરો પર ટ્રાન્સજેન્ડર સર્જરી ફરી શરૂ કરવા, DEI કાર્યક્રમો ફરી લાવવા અને રાષ્ટ્રપ્રમુખ સામે ખોટો મહાભિયોગ લાવવાના પ્રયાસો સામે પણ વ્હાઇટ હાઉસે કડક વલણ અપનાવ્યું છે.