સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપ્રમુખ વચ્ચે બેઠકની શક્યતા

ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપ્રમુખ વચ્ચે બેઠકની શક્યતા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાના સંકેત મળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો છે કે તેઓ આ અઠવાડિયે ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી શકે છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે, જેને પગલે બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની શક્યતા છે.

ફોક્સ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો હતો કે તેઓ કદાચ આ અઠવાડિયે ન્યૂયોર્કમાં મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક માટે સંમત થઈ શકે છે. આ સંકેત એવા સમયે આવ્યો છે જ્યારે વોશિંગ્ટન ઈરાન વિરુદ્ધ આગામી લશ્કરી કાર્યવાહીની યોજના ઘડી રહ્યું છે. બીજી તરફ, તેહરાન લગભગ 7 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સાથે ફરી વાતચીત શરૂ કરવા પોતાની શરતો રજૂ કરી રહ્યું છે.

ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભા 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. અમેરિકાએ આ બેઠકમાં ભાગ લેવા માટે ઈરાની પ્રતિનિધિમંડળને વિઝા અને મંજૂરી આપી છે, જેમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ સામેલ છે.

જો સંયુક્ત રાષ્ટ્રની આ બેઠક દરમિયાન બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાત થાય છે, તો ભવિષ્યમાં કોઈ અલગ સમિટ યોજવાની જરૂર નહીં પડે. બંને રાષ્ટ્રપ્રમુખ એક જ શહેરમાં હાજર હોવાથી તેમની વચ્ચે સીધી વાતચીતની મહત્વની તક ઊભી થઈ છે, જ્યારે હાલમાં બંને દેશો વચ્ચે મોટાભાગની ચર્ચા માત્ર મધ્યસ્થી દેશો મારફતે જ થઈ રહી છે.