અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ વધ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકા ઇરાનના 'પિકેક્સ માઉન્ટેન' પર હુમલો કરી શકે છે. ઇરાનના નતાંજ યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર પાસે આવેલા આ પહાડમાં જમીનની અંદર બે સુરંગ સંકુલ છે. વિશ્લેષકો માને છે કે ત્યાં ઇરાને પોતાનો ગુપ્ત યુરેનિયમ પ્લાન્ટ છુપાવ્યો છે.
અમેરિકાએ આ સ્થળને નષ્ટ કરવાની યોજના તૈયાર કરી છે. ટ્રમ્પે અગાઉ પણ આ પહાડ અને ત્યાંના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. નતાંજ ન્યુક્લિયર સાઇટથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા આ સંકુલને તબાહ કરવા માટે અમેરિકન સેનાએ યોજના બનાવી છે.
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષને 'નાની વાત' ગણાવી હતી. તેમણે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સનો બચાવ કરતાં કહ્યું કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા આ હુમલાઓ મોટું યુદ્ધ નથી, પરંતુ માત્ર એક સૈન્ય સંઘર્ષ છે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળના યુદ્ધોની સરખામણીમાં આ સંઘર્ષમાં અમેરિકન જવાનોના મોતના આંકડા ઓછા છે.