ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવવાનો આદેશ આપ્યા બાદ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળો પર 10 મિનિટમાં હુમલો કરવાની ધમકી આપી છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતા નબળી પાડી છે, પરંતુ હજુ 1-2 સ્થળો, ખાસ કરીને 'પિકએક્સ માઉન્ટેન' જેવા ગુપ્ત ભૂગર્ભ ન્યુક્લિયર સંકુલ પર કાર્યવાહી બાકી છે.
ટ્રમ્પે કહ્યું, "અમે તેમની પરમાણુ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે. મારે કહેવું પડે કે અમારે હજુ પણ 1 કે 2 સાઇટ્સ પર કાર્યવાહી કરવાની બાકી છે, પરંતુ અમે તે કામ માત્ર 10 મિનિટમાં પૂરું કરી શકીએ છીએ."
ટ્રમ્પે ખાસ કરીને 'પિકએક્સ માઉન્ટેન'નો ઉલ્લેખ કર્યો હતો. આ સ્થળ ઈરાનના જાણીતા નતાન્ઝ પરમાણુ મથક નજીક આવેલું શંકાસ્પદ ભૂગર્ભ ન્યુક્લિયર કોમ્પ્લેક્સ છે. જમીનથી સેંકડો ફૂટ ઊંડે પહાડોની નીચે બનેલું આ ફેસિલિટી સેન્ટર ઈરાનના સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ મથકોમાંનું એક મનાય છે. ટ્રમ્પનું સીધું નામ લઈને કહેવું કે અમેરિકાએ "તેની કાળજી લેવી પડશે" એ સાબિત કરે છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઈરાનના સૌથી ઊંડા ભૂગર્ભ બંકરો સુધી પહોંચવાની રણનીતિ ઘડી ચૂકી છે.
ટ્રમ્પના નિવેદન પહેલાં, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એક લેખિત સંદેશ દ્વારા અમેરિકા અને ઈઝરાયલને આકરી ચેતવણી આપી હતી. ખામેનેઈએ જણાવ્યું હતું કે જો દુશ્મનોએ લશ્કરી કે આતંકવાદી હુમલા ફરી શરૂ કર્યા, તો નવો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે માત્ર ઈરાન જ નક્કી કરશે. દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક, અસરકારક અને 'ભૌગોલિક સીમાઓથી મુક્ત' વળતો જવાબ આપવો. ટાર્ગેટ લિસ્ટને તાત્કાલિક અપડેટ કરવું, જેથી અમેરિકા અને ઈઝરાયલની તમામ મૂર્ત અને અમૂર્ત સંપત્તિઓ ઈરાનના હુમલાની પહોંચમાં આવી જાય.
આ ઘટનાક્રમ વચ્ચે એક મોટો રાજકીય ઘટસ્ફોટ મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યો છે. 'MS NOW'ના એક અહેવાલ મુજબ, ટ્રમ્પ સરકાર 3 નવેમ્બરની યુએસ મિડટર્મ ચૂંટણીના બીજા જ દિવસે ઈરાન પર ફરીથી હવાઈ હુમલા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જો આ રિપોર્ટ સાચો સાબિત થાય, તો ચૂંટણી પૂર્ણ થતાં જ બંને દેશો વચ્ચે યુદ્ધનો બીજો ભીષણ તબક્કો શરૂ થઈ શકે છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ થવાની આ અટકળોને વધુ વેગ આપ્યો છે.