વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમણા હાથ પર દેખાતા ઉઝરડાને લઈને સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં સામે આવેલા ફોટામાં તેમના હાથ પર ઊંડો અને ઘેરો લાલ ડાઘ જોવા મળી રહ્યો છે. આ ફોટો એક-બે દિવસ જૂનો હોવાનું માનવામાં આવે છે, જેણે તેમના સ્વાસ્થ્ય અંગે ફરી સવાલો ઉઠાવ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પના હાથ પરના આ ડાઘની ચર્ચા થઈ હોય. અગાઉ પણ જ્યારે આ અંગે પૂછપરછ થઈ હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમનો હાથ ટેબલ સાથે અથડાયો હતો અને ક્રીમ લગાવવામાં આવી છે. વ્હાઇટ હાઉસે પણ સ્પષ્ટતા કરી હતી કે આ ડાઘ કંઈ નવો નથી અને તે લોકો સાથે હાથ મિલાવવા અને એસ્પિરિનના ઉપયોગને કારણે થાય છે.
હવે ટ્રમ્પે જાતે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ હૃદયના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરરોજ હાઈ ડોઝ એસ્પિરિન લે છે. હાર્ટ એટેક અથવા અન્ય હૃદયરોગના જોખમને ટાળવા માટે તેઓ આ દવાનો નિયમિત ઉપયોગ કરે છે. એસ્પિરિન લોહીને પાતળું કરે છે, જેના કારણે શરીર પર સામાન્ય ઈજાના ઉઝરડા પણ ઘેરા અને સ્પષ્ટ દેખાય છે.
ટ્રમ્પે કહ્યું, "જો તમારે તમારા હૃદયની યોગ્ય કાળજી લેવી હોય તો એસ્પિરિન લેવી પડે. પરંતુ જો તમે ઈચ્છતા હોવ કે તમારા શરીર પર આવા નાના નિશાન ન દેખાય, તો એસ્પિરિન ટાળવી જોઈએ. હું વ્યક્તિગત રીતે મોટી એસ્પિરિન લઉં છું, અને એ વાત જાણીતી છે કે મોટો ડોઝ લેવાથી ત્વચા પર આવા નિશાન પડી શકે છે."
તેમણે એમ પણ કહ્યું કે તેમની મેડિકલ ટીમે તેમને આ દવાની મનાઈ કરી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમના સ્વાસ્થ્યને જોતાં આટલા મોટા ડોઝની જરૂર નથી. છતાં, ટ્રમ્પે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહીને કહ્યું કે તેઓ હૃદયની બાબતમાં કોઈ જોખમ લેવા માંગતા નથી. આથી, હાથ પરના ઉઝરડા માત્ર દવાની આડઅસર છે અને ચિંતાનું કારણ નથી.