સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનો મોટો નિર્ણય: 2026 પછી ઈઝરાયલને 4 અબજ ડૉલરની વાર્ષિક મદદ બંધ

ટ્રમ્પનો મોટો નિર્ણય: 2026 પછી ઈઝરાયલને 4 અબજ ડૉલરની વાર્ષિક મદદ બંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યાવધિ ચૂંટણીઓ વચ્ચે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, 2026ના અંત પછી અમેરિકા ઈઝરાયલને દર વર્ષે અપાતી $4 અબજની આર્થિક સહાય બંધ કરશે. ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે સહમતિ સધાઈ હોવાનો દાવો કર્યો છે. જોકે, અમેરિકા શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે.

ટ્રમ્પે 'ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સ' શોમાં વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી, પરંતુ ડિસેમ્બર સુધીમાં આ ફંડિંગ કેવી રીતે રોકવામાં આવશે તેની કોઈ ટેકનિકલ વિગતો આપી નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હાલનો સૈન્ય કરાર સપ્ટેમ્બર 2028 સુધી અમલી છે, જેના અંતર્ગત અમેરિકા દર વર્ષે ઈઝરાયલને 3.8 અબજ ડોલરની સૈન્ય મદદ આપવા બંધાયેલું છે.

ગાઝામાં ઈઝરાયલના સૈન્ય અભિયાનો બાદ અમેરિકન નાગરિકો અને રાજકારણીઓમાં ઈઝરાયલ પ્રત્યેની સહાનુભૂતિ ઘટી છે. તાજેતરના ક્વાનિપિયાક યુનિવર્સિટીના એક સર્વે મુજબ 48% અમેરિકન મતદાતાઓ અને 66% ડેમોક્રેટ્સ માને છે કે અમેરિકા મધ્ય પૂર્વમાં ઈઝરાયલને જરૂર કરતાં વધુ સમર્થન આપી રહ્યું છે. આ બદલાતા જનમાનસને ધ્યાનમાં રાખીને જ ટ્રમ્પે ચૂંટણી ટાણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય સંબંધોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પના મતે આ નિર્ણયથી ઈઝરાયલને અપાતી અંધાધૂંધ મદદ મામલે રિપબ્લિકન પાર્ટી પર પ્રહારો કરતા વામપંથી ડેમોક્રેટ્સના તર્કો નબળા પડી જશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મધ્યાવધિ ચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા) નું નિયંત્રણ છીનવાઈ જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.