અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વેપારી તણાવમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના ઉત્પાદનો પર લાદેલા ભારે આયાત ટેરિફમાં આંશિક રાહત આપવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કેનેડાના કેટલાક પસંદગીના માલસામાન પરથી 50 ટકા ટેરિફ હટાવ્યો છે. આ નિર્ણયથી અમેરિકાના કેટલાક વેપારીઓ અને ખેડૂતોને રાહત થશે.
જોકે, એવો અર્થ નથી કે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો સંપૂર્ણપણે સુધરી ગયા છે. હજુ ઘણા ઉત્પાદનો પર ટેરિફ ચાલુ છે અને કેટલાક પર તો વધુ કડક કરવામાં આવ્યો છે.
કઈ વસ્તુઓ સસ્તી થશે?
નવા આદેશ મુજબ, કેનેડાથી આયાત થતા કેટલાક કૃષિ અને જંગલ પેદાશના ઉત્પાદનોને 50 ટકા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પ્લાયવુડ, કાગળની બનાવટો અને ચોક્કસ પ્રકારની મશીનરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેફ્રિજરેશનના સાધનો અને પેકેજિંગ મટિરિયલને પણ આ મુક્તિનો લાભ મળશે. અહેવાલો અનુસાર આ નિર્ણય 30 ઓક્ટોબર, 2026થી સત્તાવાર રીતે અમલમાં આવશે.
ક્યાં ટેરિફ વધ્યો?
બીજી તરફ સરકારે કાર્પેટ, પેઇન્ટ, શેમ્પૂ, એર કન્ડીશનીંગના સાધનો અને અન્ય કેટલીક વસ્તુઓ પર 50 ટકા ટેરિફ ફરી લાગુ કર્યો છે. આ દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસનની વેપાર નીતિ હજુ પણ કડક છે.
વેપારી તણાવની પૃષ્ઠભૂમિ
ઓગસ્ટમાં બંને દેશો વચ્ચે વેપાર અંગેની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ અમેરિકાએ કેનેડાના 20 બિલિયન ડોલરના માલ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં કેનેડાએ પણ વળતો પગલાં લીધાં હતાં. હવે આ આંશિક રાહતથી કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે, પરંતુ બંને દેશો વચ્ચેનો વિવાદ સંપૂર્ણ ઉકેલાયો હોય તેમ લાગતું નથી. કેનેડાના વેપાર મંત્રી ડોમિનિક લેબ્લેન્કે જણાવ્યું છે કે તેમનો દેશ સ્થિતિનું બારીકાઈથી મૂલ્યાંકન કરી રહ્યો છે.
ચૂંટણી પહેલા રાજકીય મહત્ત્વ
અમેરિકામાં 3 નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા અને ખેડૂતોને ખુશ કરવા માટે આ નિર્ણય રાજકીય રીતે મહત્ત્વનો માનવામાં આવે છે.
રિપબ્લિકન પાર્ટીના સેનેટર સુસાન કોલિન્સે નિર્ણયને વધાવી લીધો છે. તેમણે જણાવ્યું છે કે મેઈન વિસ્તારના ખેડૂતોને તેનો મોટો ફાયદો થશે, ખાસ કરીને બ્લુબેરી, બટાકા, સફરજન અને સીવીડનું ઉત્પાદન કરતા ખેડૂતોને. આ ખેડૂતો કેનેડાથી આવતા ખાસ સાધનો અને પેકેજિંગ સામગ્રી પર આધાર રાખે છે, તેથી ટેરિફ હટવાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઘટશે.
બીજી બાજુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ટ્રોય જેક્સને ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી છે. તેમણે દલીલ કરી છે કે ટ્રમ્પની અણધારી ટેરિફ નીતિઓથી જ વેપારીઓ અને સામાન્ય જનતા પર ખર્ચનો બોજ પડ્યો છે અને મોંઘવારી વધી છે. હવે ચૂંટણી સમયે સરકાર માત્ર દેખાડો કરી રહી છે, તેમ તેમણે કહ્યું છે.
આ નિર્ણય અમેરિકાના આંતરિક બજારો અને સરહદ પારના વ્યાપાર પર કેવી અસર પાડે છે, તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.