અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને CNN, MSNBC અને પોલિટિકો સહિત ત્રણ મીડિયા સંસ્થાઓ પર 'ફેક ન્યૂઝ' ફેલાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાં સામે અમેરિકાના મુખ્ય ટેલિવિઝન નેટવર્ક્સે પ્રમુખના અધિકૃત કાર્યક્રમોનું વિડિયો કવરેજ આપવાનો ઇનકાર કર્યો છે.
ફોક્સ ન્યૂઝ, એબીસી ન્યૂઝ, સીબીએસ ન્યૂઝ, સીએનએન અને એનબીસી ન્યૂઝે સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે નાગરિકોને સરકારી બાબતો વિશે સાચી માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ પ્રશાસનને માત્ર રિપોર્ટિંગ પર નારાજગી હોય તે કારણે પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.
આ પ્રતિબંધ સામે કાનૂની લડાઈ લડવા માટે CNN, MSNBC અને પોલિટિકોએ વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન સામે મુકદ્દમો દાખલ કર્યો છે. આ સંસ્થાઓએ અદાલતમાં અરજી કરીને આ પ્રતિબંધ પર રોક લગાવવાની માંગ કરી છે. મીડિયા સંસ્થાઓએ આ પગલાંને અમેરિકી બંધારણના પ્રથમ સુધારા (ફર્સ્ટ અમેન્ડમેન્ટ) હેઠળ મળેલા વાણી અને પ્રેસની સ્વતંત્રતાના અધિકારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે સરકાર એ નક્કી કરી શકતી નથી કે પ્રેસે કયા સમાચાર છાપવા કે પ્રસારિત કરવા, જે લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
શનિવારે વ્હાઈટ હાઉસ પહોંચેલા આ પ્રતિબંધિત સંગઠનોના પત્રકારોના પ્રેસ ક્રેડેન્શિયલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે આ કાર્યવાહીને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો નહીં પરંતુ 'ફેક ન્યૂઝ' સામેનું કડક પગલું ગણાવ્યું છે.
આ વિવાદને કારણે યુએનજીએ (UNGA) જેવા વૈશ્વિક અને મોટા કાર્યક્રમોના વિડિયો કવરેજ પર વ્યાપક અસર પડી છે, જેના કારણે આગામી સમયમાં રાજકીય અને મીડિયા ક્ષેત્રે તણાવ વધુ વધી શકે છે.