અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ચીનના શેનઝેન શહેરમાં પહોંચ્યા હતા. એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતે તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એકબીજાને ભેટીને આવકાર્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ પહેલીવાર પ્રોટોકોલ તોડીને વિદેશી નેતાના સ્વાગત માટે એરપોર્ટ પર જવાનું નક્કી કર્યું હતું. આને ટ્રમ્પની ચીન યાત્રા અને બંને દેશોના સંબંધોના મહત્વ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પ આ યાત્રા દરમિયાન APEC સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેમની જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે. બંને નેતાઓ વચ્ચે વેપાર, ટેરિફ, ચીન તરફથી અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી અને રેર અર્થ સપ્લાય જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
ટ્રમ્પની આવતીકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જિનપિંગ સાથે ત્રિપક્ષીય બેઠક યોજાશે. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર તેમાં વૈશ્વિક શાંતિ, યુક્રેન યુદ્ધ, વેપાર અને દુનિયામાં વધી રહેલા તણાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ચીનના શેનઝેનમાં લગભગ 2 કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન જિનપિંગે પુતિનને પોતાના જૂના મિત્ર ગણાવ્યા. છેલ્લા 13 વર્ષમાં બંને નેતાઓની આ 50મી મુલાકાત હતી.
શેનઝેન એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કોણ-કોણ હાજર હતું? વ્હાઇટ હાઉસે બુધવારે શેનઝેન બાઓઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે હાજર અધિકારીઓનાં નામ જાહેર કર્યા. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચીનમાં અમેરિકાના રાજદૂત ડેવિડ પર્ડ્યૂ અને તેમની પત્ની બોની હાજર હતાં. આ ઉપરાંત ગ્વાંગઝૂમાં અમેરિકન મહાવાણિજ્યદૂત પૉલીન કાઓ પણ સ્વાગત કરનારાઓમાં સામેલ હતાં. ચીનના અધિકારીઓમાં વિદેશ મંત્રાલયના કાર્યકારી ઉપમંત્રી મા ઝાઓશૂ અને અમેરિકામાં ચીનના રાજદૂત શિએ ફેંગ હાજર હતા. ચીનના વિદેશ મંત્રાલયના સહાયક મંત્રી હોંગ લેઈ પણ એરપોર્ટ પર દેખાયા હતા.
જિનપિંગ-તાકાઇચીની APECમાં મુલાકાત નહીં થાય: જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની APEC સમિટમાં મુલાકાત થવાની શક્યતા નથી. બંને દેશો વચ્ચે તાઇવાનને લઈને તણાવ વધી ગયો છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં પ્રથમ મુલાકાત દરમિયાન જિનપિંગે કહ્યું હતું કે ચીન અને જાપાને એકબીજા માટે જોખમ બનવાને બદલે ભાગીદાર બનવું જોઈએ. પરંતુ એક વર્ષની અંદર બંને દેશોના સંબંધો બગડી ગયા. તણાવની શરૂઆત તાકાઇચીના એ નિવેદનથી થઈ, જેમાં તેમણે કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર સૈન્ય કાર્યવાહી કરે છે, તો જાપાન પણ જવાબ આપી શકે છે. આથી ચીન નારાજ થઈ ગયું. ત્યારબાદ ચીને જાપાન પર આર્થિક દબાણ વધાર્યું. પોતાના નાગરિકોને જાપાનની મુસાફરી ન કરવાની સલાહ આપી. ચીનમાં ઘણા જાપાની કલાકારોના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા. બંને દેશો વચ્ચેના વિવાદનો ઇતિહાસ પણ જૂનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં જાપાની સેનાએ ચીન પર હુમલો કર્યો હતો અને નાનજિંગમાં મોટા પાયે નરસંહાર કર્યો હતો. જાપાન ઘણી વખત આ માટે માફી માંગી ચૂક્યું છે, પરંતુ આ મુદ્દો આજે પણ બંને દેશોના સંબંધોમાં તણાવનું કારણ બનેલો છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન ડિનર માટે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. જિનપિંગે કહ્યું- ટ્રમ્પ સાથેની વાતચીતથી અમેરિકા સાથેના સંબંધો વધુ સારા બનશે: જિનપિંગે ટ્રમ્પને કહ્યું કે તેમને આશા છે કે બંને દેશો વચ્ચેની વાતચીતથી સંબંધો વધુ સારા બનશે અને તેમાં સ્થિરતા આવશે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ, જિનપિંગે કહ્યું કે બંને દેશોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ. જિનપિંગે સપ્ટેમ્બરમાં પોતાની અમેરિકા યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તે દરમિયાન ટ્રમ્પ અને તેમની પત્ની પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.