અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના તાજેતરના સર્વે મુજબ, ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ ઘટીને 37 ટકા થઈ ગઈ છે. 1990 પછી, એટલે કે છેલ્લા 36 વર્ષમાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં કોઈપણ અમેરિકન પ્રમુખની આ સૌથી નીચી રેટિંગ છે.
નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની જીતનો દાવો કરી રહેલા ટ્રમ્પ માટે આ આંકડા મોટો ઝટકો માનવામાં આવે છે.
રેટિંગ ઘટવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. પહેલું, દેશમાં વધતી મોંઘવારી અને ઈંધણની ઊંચી કિંમતોને કારણે સામાન્ય અમેરિકનો પર આર્થિક ભાર વધ્યો છે. બીજું, ઈરાન સાથે વધી રહેલા લશ્કરી તણાવને કારણે નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી છે.
તાજેતરમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે 7 દિવસનો સીઝફાયર પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવ ફગાવી દીધો છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી પૂરી થતાં જ ઈરાન પર ફરીથી હવાઈ હુમલા શરૂ કરવામાં આવી શકે છે. આ પહેલાં 22 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીને સંબોધતી વખતે ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું હતું કે, "મારી પાસે બે વિકલ્પ છે – ઈરાન સાથે સમજૂતી કરવી અથવા ઈસ્લામિક રિપબ્લિકનો ઝડપથી સંપૂર્ણ નાશ કરી દેવો. જોકે મને ખાતરી છે કે ચૂંટણી પછી તેઓ આપોઆપ સમજૂતી કરવા તૈયાર થઈ જશે."
એપ્રૂવલ રેટિંગમાં આ ઘટાડા બાદ, 'પોલિટિકો'ના અહેવાલ મુજબ ટ્રમ્પ હવે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં આક્રમક પ્રચાર શરૂ કરવાના છે. તેઓ ટૂંક સમયમાં આયોવા, ફ્લોરિડા, ટેક્સાસ, અલાસ્કા અને ઓક્લાહોમા જેવા રાજ્યોની મુલાકાત લઈને પોતાની પાર્ટીના ઉમેદવારો માટે સમર્થન માંગશે.
અમેરિકામાં 3 નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં ટ્રમ્પ પોતાની લોકપ્રિયતા સુધારી શકે છે કે નહીં.