આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે AI પર અંકુશ મેળવવાના પ્રયાસોને ષડ્યંત્ર ગણાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે AI દ્વારા માનવતાનો વિનાશ થવાની વાતોમાં કોઈ તથ્ય નથી, તે માત્ર કાલ્પનિક છે.
ટ્રમ્પે કહ્યું કે વેપાર જગતના ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ ઉદ્યોગના દિગ્ગજોએ ખુદ એવા નિયમો લાવવાની માંગ કરી હોય જે તેમને નુકસાનમાં ધકેલી દે. તેમના મતે, AI દુનિયા પર કબજો કરી લેશે, માનવતાનો નાશ કરશે અને રોબોટ્સ શહેરો પર કબજો જમાવશે — આ બધી વાતો માત્ર ઢોંગ છે. આ રશિયા વિવાદ, યુક્રેન વિવાદ અને મહાભિયોગના કાવતરાં જેવું જ એક નવું જુઠાણું છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ચીનના પ્રમુખ શી જિનપિંગ અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ચીન AIના વિકાસના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરશે નહીં.
ટ્રમ્પનું માનવું છે કે AI અને ડેટા સેન્ટર્સ ઇતિહાસના સૌથી મોટા આર્થિક એન્જિન સાબિત થશે. આ ક્ષેત્ર ઓઇલ, સોનું, હીરા અને ઇન્ટરનેટ કરતાં પણ મોટું બજાર બનીને ઉભરશે. તેમણે કહ્યું કે જે લોકો AIથી દુનિયા ખતમ થવાના દાવા કરી રહ્યા છે, તેઓ એ જ લોકો છે જે અગાઉ પર્યાવરણીય ફેરફારોથી દુનિયાના વિનાશની વાતો કરતા હતા.
ટ્રમ્પનો મત છે કે AI પર કડક પ્રતિબંધો લગાવવાથી માત્ર ચીનને જ ફાયદો થશે. તેમણે ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન અને એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હુઆંગ પણ AIના ખતરાઓને વધારીને રજૂ કરવાના વિરોધી છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન ટ્રમ્પ અને હુઆંગ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં બંને સંમત થયા હતા કે બજારમાં AIને લઈને વણજોઈતો ડર ફેલાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ મોટી AI કંપનીઓની એ અરજીને સમર્થન આપ્યું છે, જેમાં ટેક્નોલોજીના વિકાસની ગતિ પર નિયંત્રણ રાખવાની માંગ કરવામાં આવી છે. ઓબામાનું માનવું છે કે આ ટેક્નોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે તેને બનાવનારાઓને પણ તેની ગતિ સાથે તાલમેલ સાધવામાં મુશ્કેલી પડી રહી છે.