સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનું વચન: રિપબ્લિકન જીત્યા તો દરેક અમેરિકીને $5,000 ડિવિડન્ડ

ટ્રમ્પનું વચન: રિપબ્લિકન જીત્યા તો દરેક અમેરિકીને $5,000 ડિવિડન્ડ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે મહત્વનાં નિવેદનો કર્યાં છે. તેમણે કહ્યું કે જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ, બંનેની ચૂંટણી જીતી જાય તો દરેક પુખ્ત અમેરિકી નાગરિકને 5,000 ડોલર (આશરે 4.2 લાખ રૂપિયા)નું ડિવિડન્ડ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાન સાથેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી ઊંચા રહેશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ નાગરિકોને ડિવિડન્ડ સ્વરૂપે મળવો જોઈએ. આ યોજના ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની જીત સાથે જોડાયેલી છે. તેમણે ગયા વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા 1,776 ડોલરનું ઉદાહરણ આપ્યું, જેમાં તેમણે અમેરિકાની આઝાદીના વર્ષ સાથે જોડવા માટે પોતાની તરફથી એક ડોલર ઉમેર્યો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જુલાઈ પછી પ્રથમવાર ભાવ 100 ડોલરને વટાવી ગયા છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે યુદ્ધની અસરને કારણે ચૂંટણી પહેલાં ભાવ નીચે આવવાની શક્યતા ઓછી છે. જોકે, ચૂંટણી પછી ભાવ ઘટવાની તેમણે આશા વ્યક્ત કરી.

શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું હતું કે આ સંઘર્ષ થોડા અઠવાડિયામાં પૂરો થઈ જશે, પરંતુ હવે તે સાત મહિનાથી ચાલી રહ્યો છે. ડલ્લાસ ખાતે રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં જતા પહેલાં તેમણે પત્રકારોને કહ્યું કે ચૂંટણી પૂરી થતાં જ ક્રૂડના ભાવ ઘટવા લાગશે, પણ તેમાં થોડો સમય લાગી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઈરાન વધુ સમય ટકી નહીં શકે અને પીછેહઠ કરવા મજબૂર થશે.