સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પે 100% ટેરિફ કાયદો મંજૂર કર્યો: રશિયન તેલ ખરીદતા ભારત પર દબાણ વધ્યું

ટ્રમ્પે 100% ટેરિફ કાયદો મંજૂર કર્યો: રશિયન તેલ ખરીદતા ભારત પર દબાણ વધ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવવાનો કાયદો મંજૂર કર્યો છે. આ કાયદા હેઠળ ભારત પર પણ કડક આર્થિક પગલાં લેવાની શક્યતા છે, જેનાથી ભારતના વેપાર અને ઊર્જા ક્ષેત્ર માટે નવો પડકાર ઊભો થયો છે.

અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે આ બિલ પસાર કર્યું હતું. તેના પક્ષમાં 262 અને વિરોધમાં 159 મત પડ્યા હતા. સેનેટે ઓગસ્ટમાં જ 86-11 મતોથી તેને મંજૂરી આપી દીધી હતી. હવે ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કરતાં તે કાયદો બની ગયો છે.

આ કાયદાનું અધિકૃત નામ 'લિન્ડસે ઓ. ગ્રેહામ સૅન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઑફ 2026' છે. તેમાં રશિયા પાસેથી વધુ કાચું તેલ ખરીદતા પાંચ દેશોની યાદી બનાવવામાં આવી છે, જેમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ દર 180 દિવસે આ યાદીનું મૂલ્યાંકન કરશે.

ભારત પોતાની જરૂરિયાતનું 40%થી વધુ કાચું તેલ રશિયા પાસેથી ખરીદે છે. યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું વધાર્યું હતું. 2022-23માં રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો. યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ઓછું તેલ ખરીદતું હતું, પરંતુ ત્યાર બાદ આ પ્રમાણ વધીને દરરોજ આશરે 16થી 20 લાખ બેરલ સુધી પહોંચ્યું છે.

રશિયા ઉપરાંત ભારત ઇરાક, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર પાસેથી પણ તેલ ખરીદે છે. નાઇજીરિયા, અંગોલા, બ્રાઝિલ અને અમેરિકાથી પણ કાચું તેલ આયાત થાય છે.

આ કાયદાની ભારત પર બે મુખ્ય અસરો થઈ શકે છે. પહેલી સ્થિતિમાં, જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખે તો અમેરિકાના 100% ટેરિફની સીધી અસર ભારતના નિકાસ પર પડશે. ભારતીય સામાન અમેરિકામાં મોંઘો થઈ જશે અને અમેરિકન ખરીદદારો બાંગ્લાદેશ, વિયેતનામ, મેક્સિકો, ચીન જેવા સસ્તા વિકલ્પો તરફ વળશે. પરિણામે ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં ઓર્ડર ઘટી શકે છે.

બીજી સ્થિતિમાં, જો ભારત રશિયાને છોડીને બીજા દેશો પાસેથી તેલ ખરીદે તો તે મોંઘું પડી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.

આ કાયદામાં રશિયાના તેલ અને સંરક્ષણ સાથે જોડાયેલા વેપાર પર કડક પ્રતિબંધોની જોગવાઈ છે. રશિયાના તે ટેન્કરો સામે પણ કાર્યવાહી થઈ શકે છે, જે વર્તમાન પ્રતિબંધોથી બચીને અન્ય દેશો સુધી રશિયાનું તેલ પહોંચાડે છે. આ ટેન્કરોના નેટવર્કને રશિયાનું 'શેડો ફ્લીટ' કહેવાય છે.

અમેરિકાએ અગાઉ પણ રશિયા પર આવા પ્રતિબંધો લાદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલની સપ્લાય પર અસર પડી અને દુનિયામાં તેલની અછતનો ભય વધ્યો. ત્યારબાદ અમેરિકન સરકારે રશિયાના તેલના વેચાણ પર થોડા સમય માટે લાગેલા પ્રતિબંધોમાં છૂટ આપવી પડી હતી.

બિલ કાયદો બન્યા બાદ 1996નો 'ઈરાન પ્રતિબંધ કાયદો' 2031 સુધી લંબાવવામાં આવશે. આ કાયદો ઈરાન સાથે વેપાર કરતી બિન-અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ મૂકે છે. તેની મુદત આ વર્ષે પૂરી થવાની હતી.

આ બિલથી અમેરિકી રાષ્ટ્રપતિને અમેરિકામાં આવતી રશિયન ચીજવસ્તુઓ પર 500% સુધીનો ટેરિફ લગાવવાનો અધિકાર પણ મળશે. આ અધિકાર પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે.

રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદતા ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમને પણ આ કાયદાના દાયરામાં રાખવામાં આવ્યા છે. જોકે, જે દેશો રશિયાના કુલ ગેસ નિકાસના 15%થી ઓછો ગેસ આયાત કરે છે અને પોતાની નિર્ભરતા ઘટાડવા પગલાં લઈ રહ્યા છે, તેમને છૂટ મળી શકે છે. સેનેટમાં રજૂ થયેલા બિલ હેઠળ 15 યુરોપિયન દેશોને પ્રસ્તાવિત 100% ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે તેઓ રશિયા પાસેથી 15%થી ઓછો ગેસ ખરીદે છે અને તેમની નિર્ભરતા ધીમે ધીમે ઘટાડી રહ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે 100% ટેરિફ અંગે કહ્યું હતું કે દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવશે નહીં.