ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઘણા મુસાફરો નામ, વય અને અન્ય વિગતો ધ્યાનથી ભરતા નથી. ખાસ કરીને ઉંમરના ખાનામાં ભૂલ થઈ જવી સામાન્ય છે. પરંતુ રેલવેના નિયમો મુજબ, ટિકિટમાં નોંધાયેલી ઉંમર અને અસલ ઓળખ દસ્તાવેજ (ID) વચ્ચે તફાવત હોય તો મુસાફરને દંડ થઈ શકે છે.
રેલવે અધિનિયમ, 1989ની કલમ 138 હેઠળ, જો ટિકિટ અને ID વચ્ચે વિગતો મેળ ન ખાય તો મુસાફરને 'માન્ય ટિકિટ વગરનો' ગણવામાં આવે છે અને નિયમાનુસાર પેનલ્ટી વસૂલવામાં આવે છે.
તાજેતરમાં એક ટ્વીટમાં એક મુસાફરે દાવો કર્યો હતો કે બેંગલુરુ-નાગપુર રાજધાની એક્સપ્રેસમાં તેને આવી જ ભૂલ બદલ ₹7,035 વધારાનો દંડ થયો હતો. મુસાફરે જણાવ્યું કે તેણે ટિકિટમાં ઉંમર 1 વર્ષ લખી હતી જ્યારે તેની અસલ ઉંમર 24 વર્ષ છે. તેમણે એ પણ દાવો કર્યો કે ઉંમર સુધારવાથી ભાડામાં કોઈ ફેર પડ્યો ન હોત, કારણ કે તેમણે કોઈ છૂટ મેળવી ન હતી. છતાં તેમની પાસેથી વધારાની રકમ વસૂલવામાં આવી.
રેલવેના નિયમો અનુસાર, ટિકિટ બુક થયા પછી ચાર્ટ તૈયાર થાય તે પહેલાં નજીકના PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર પર જઈને ભૂલ સુધારી શકાય છે. જો ચાર્ટ બની જાય તો સુધારો શક્ય નથી. તેથી મુસાફરોએ ટિકિટ બુક કર્યા પછી તરત જ તેની ચકાસણી કરવી જોઈએ.
TTEને મુસાફરની ટિકિટ અને ID ચકાસવાનો અધિકાર છે. જો વિગતોમાં તફાવત મળે તો તે નિયમ મુજબ કાર્યવાહી કરી શકે છે. જોકે, દરેક કેસમાં દંડ ફરજિયાત નથી હોતો; તે તપાસ પર આધાર રાખે છે.
મુસાફરોએ ટિકિટ બુક કરતી વખતે ઉંમર સહિતની તમામ વિગતો બરાબર ભરવી જોઈએ અને ટિકિટ મળ્યા પછી તરત જ ચકાસવી જોઈએ. જો ભૂલ હોય તો ચાર્ટ બનતા પહેલાં PRS કાઉન્ટર પર સુધારો કરાવવો જોઈએ. આમ કરવાથી મુસાફરી દરમિયાન થતી મુશ્કેલીઓ અને દંડથી બચી શકાય છે.