સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેનના દરવાજે ઊભા રહેવું કેટલું સુરક્ષિત? રેલવેના નિયમો અને દંડ વિશે જાણો

ટ્રેનના દરવાજે ઊભા રહેવું કેટલું સુરક્ષિત? રેલવેના નિયમો અને દંડ વિશે જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણી વાર સીટ ન મળે ત્યારે મુસાફરો દરવાજા પાસે ઊભા રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું આ કાયદેસર છે? ભારતીય રેલવેના નિયમો અનુસાર, ટ્રેનના દરવાજા કે ફૂટબોર્ડ પર મુસાફરી કરવી એ ખતરનાક તેમજ ગેરકાયદે છે. રેલવે એક્ટની કલમ 156 હેઠળ, નિર્ધારિત ડબ્બા સિવાય અન્ય જગ્યાએ મુસાફરી કરવી ગુનો ગણાય છે, જેના પર રૂ. 500 સુધીનો દંડ અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે.

રેલવે વારંવાર ચેતવણી આપે છે કે, મુસાફરી હંમેશા ડબ્બાની અંદર જ કરવી જોઈએ. ટ્રેનની ઝડપ અચાનક બદલાઈ શકે છે, જેના કારણે દરવાજે ઊભેલી વ્યક્તિ સંતુલન ગુમાવી શકે છે અને પાટા પર પડી શકે છે. આ ઉપરાંત, ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા, ઝાડ કે વીજળીના પોલ સાથે અથડાવાનો ખતરો પણ રહે છે. ખાસ કરીને યુવાનો સેલ્ફી કે રીલ્સ બનાવવા માટે દરવાજે ઊભા રહેતા હોય છે, જે જીવલેણ બની શકે છે.

ઘણા મુસાફરો ભીડને કારણે દરવાજે ઊભા રહેવાની મજબૂરી હોવાનું કહે છે. પરંતુ રેલવેનું કહેવું છે કે, આ કોઈ સુરક્ષિત વિકલ્પ નથી. જો ટ્રેનમાં ભીડ વધુ હોય તો પછીની ટ્રેનની રાહ જોવી જ યોગ્ય છે. મુસાફરોએ ટ્રેન ચાલુ થયા પછી દરવાજા પાસે ભીડ ન કરવી અને ડબ્બાની અંદર જ રહેવું જોઈએ. સાથે જ વડીલો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ વ્યક્તિ ખતરનાક સ્ટંટ કરતી દેખાય તો તેને રોકવી અથવા રેલવે સ્ટાફને જાણ કરવી.

આ ઉપરાંત, રેલવે મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણે છે અને સમયાંતરે જાગૃતિ અભિયાન ચલાવે છે. મુસાફરોએ પોતાની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી જોઈએ.