ગુવાહાટી જતી એક ટ્રેનમાં મુસાફરને પોતાના ભોજનની દાળમાં લોખંડનો ટુકડો મળી આવ્યો છે. આ ટુકડો વાસણ ઘસવાના સ્ક્રબરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુસાફરને આ વિશે ત્યારે ખબર પડી જ્યારે તે અડધું ભોજન ખાઈ ચૂક્યો હતો.
ઘટનાનો વીડિયો મુસાફર અમિત અવસ્થીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. વીડિયોમાં તેમણે દાળમાંથી નીકળેલો ચમકતો ધાતુનો ટુકડો બતાવ્યો છે. તેમણે જણાવ્યું કે જમતી વખતે અચાનક તેમની નજર આ વસ્તુ પર પડી. ત્યાં સુધીમાં તેઓ અડધાથી વધુ ભોજન ખાઈ ચૂક્યા હતા. તેમને ચિંતા થઈ કે આ ટુકડાનો કોઈ ભાગ ભૂલથી તેમના પેટમાં ન ગયો હોય.
ટ્રેનમાં હાજર સ્ટાફે જણાવ્યું કે આ ટુકડો વાસણ સાફ કરવાના સ્ક્રબરનો ભાગ હોઈ શકે છે. બીજા એક વીડિયોમાં કેટરિંગ સ્ટાફના કર્મચારીએ મુસાફરને સ્પષ્ટતા આપતાં આ વાત કબૂલી હતી. તેણે માફી માંગી હતી અને બીજું ભોજન તેમજ પૈસા રિફંડ કરવાની ઓફર કરી હતી. જોકે, અમિતે બીજું ભોજન લેવાનો કે રિફંડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આ મામલો રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા માંગે છે, જેથી આવી બેદરકારી સામે કડક પગલાં લેવાય.
અમિતે રેલવે અને IRCTC સામે સવાલ ઉઠાવ્યો છે કે મુસાફરોને આખરે કેવું ભોજન પીરસવામાં આવે છે. તેમનું કહેવું છે કે ખાવામાં આવી વસ્તુ મળવી માત્ર બેદરકારી નથી, પરંતુ મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં જેવી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ IRCTCએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પરથી પ્રતિક્રિયા આપી હતી. IRCTCએ ઘટનાને ગંભીર ગણાવી હતી અને જણાવ્યું હતું કે સંબંધિત કેટરિંગ સર્વિસ પ્રોવાઇડર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સર્વિસ પ્રોવાઇડરને કડક ચેતવણી આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. જોકે, કેટરર પર કેટલી રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે તેની IRCTCએ સ્પષ્ટતા કરી નથી.