સત્ય. સાહસ. સંકલ્પ.

TRAIનો મોટો નિર્ણય: હવે ટેલિકોમ કંપનીઓએ ફરજિયાત આપવા પડશે માત્ર કોલિંગ અને SMSવાળા સસ્તા પ્લાન

TRAIનો મોટો નિર્ણય: હવે ટેલિકોમ કંપનીઓએ ફરજિયાત આપવા પડશે માત્ર કોલિંગ અને SMSવાળા સસ્તા પ્લાન

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ દેશના કરોડો મોબાઇલ ગ્રાહકો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026' હેઠળ હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે એવા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે જેમાં માત્ર વોઇસ કોલિંગ અને SMSની સુવિધા હોય અને ડેટા શામેલ ન હોય.

નવા નિયમો મુજબ, 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી ધરાવતા ગ્રાહકો માટે કંપનીઓએ 'Voice and SMS Only' પ્લાન આપવો ફરજિયાત બનાવ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકોને એવો વિકલ્પ પણ મળશે જેથી તેઓ દર મહિને એક ચોક્કસ તારીખે જ પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે. આનાથી દર વખતે અલગ-અલગ તારીખોએ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી ગ્રાહકોને કાયમી રાહત મળશે.

TRAIએ સ્પષ્ટ કર્યું છે કે 30 દિવસથી વધુ વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો માટે પણ દરેક કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો પડશે જેમાં ડેટા વગર માત્ર કોલિંગ અને મેસેજિંગની સુવિધા હોય. રેગ્યુલેટરે કંપનીઓને આ પ્લાનની કિંમતો વ્યાજબી અને ડેટા પ્લાન કરતાં નોંધપાત્ર રીતે ઓછી રાખવા સૂચના આપી છે, જેથી ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે.

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ કીપેડ (ફીચર) ફોન વાપરે છે અથવા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ બિલકુલ કરતા નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને હવે બિનજરૂરી ડેટા માટે મોંઘા રિચાર્જ લેવાની મજબૂરી રહેશે નહીં.

TRAIના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી બજારમાં માત્ર કોલિંગવાળા પ્લાનની ભારે અછત હતી, જેના કારણે ગ્રાહકોએ નાછૂટકે ડેટાવાળા મોંઘા પ્લાન લેવા પડતા હતા. આ રેગ્યુલેશનના ડ્રાફ્ટ પર જનતા અને નિષ્ણાતો પાસેથી 1,132 જેટલા પ્રતિભાવ અને સૂચનો મળ્યા હતા, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.