ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ (TRAI)એ છેતરપિંડીભર્યા અને અનિચ્છનીય વ્યાવસાયિક કૉલ્સને રોકવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો હેઠળ રોબોકૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને AI આધારિત સ્પામ ઓળખને નિયમનકારી દાયરામાં લાવવામાં આવ્યા છે.
નવા નિયમો મુજબ, જો કોઈ સ્પામરના 5 કે તેથી વધુ નંબર 10 દિવસમાં ઓળખાય, તો તેનું ટેલિકોમ કનેક્શન કાપી શકાય છે અને તેને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી શકાય છે. ઉપરાંત, ઑટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ 5 પૈસાનો ચાર્જ લાગશે.
નિયમ-1: 10 દિવસમાં 5 શંકાસ્પધ નંબર મળતાં કનેક્શન કપાશે
ટેલિકોમ કંપનીઓ હવે સ્પામ કૉલ્સ/મેસેજ મોકલનારા નંબરોની ઓળખ કરશે. 10 દિવસમાં એક જ વ્યક્તિ કે કંપનીના 5 નંબર શંકાસ્પદ જણાય, તો તપાસ શરૂ થશે. તપાસ દરમિયાન રી-કેવાયસી થશે, આઉટગોઇંગ કૉલ્સ બંધ કરવામાં આવશે અને વારંવાર ભૂલ કરવા પર સિમ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.
નિયમ-2: કમ્પ્યુટર અને રોબોટથી આવતા નકલી કૉલ્સ પર રોક
ઑટોમેટિક, રોબોકોલ્સ અને રેકોર્ડેડ અવાજવાળા કૉલ્સ હવે ટ્રાઈના કડક નિયમોના દાયરામાં આવશે. આવા કૉલ્સ કરતી કંપનીઓએ અગાઉથી ટેલિકૉમ ઑપરેટરને જણાવવું પડશે કે તેઓ કયા નંબરનો ઉપયોગ કરશે. પૂર્વ જાણકારી આપ્યા વિના કરવામાં આવેલા કોઈપણ ઑટોમેટિક કૉલને સ્પામ માનીને બ્લૉક કરી દેવામાં આવશે.
નિયમ-3: પરવાનગી વિના કૉલ્સ પર 5 પૈસા/મિનિટનો દંડ
કંપનીઓએ નકલી અથવા જાણ કર્યા વિના કરવામાં આવેલા ઑટોમેટિક કૉલ્સ પર પ્રતિ મિનિટ 5 પૈસાનો દંડ ચૂકવવો પડશે. 140/160 જેવા સત્તાવાર કમર્શિયલ નંબરો અથવા સરકાર દ્વારા માન્ય કૉલ્સને આ દંડમાંથી છૂટ મળશે.
નિયમ-4: ત્રણ ફરિયાદો અને AIની મદદથી તાત્કાલિક કાર્યવાહી
સ્પામ કૉલ્સ પર ઝડપી કાર્યવાહી માટે યુઝર્સની ફરિયાદોને AI સાથે જોડવામાં આવી છે. અગાઉ કોઈ નંબર પર કાર્યવાહી કરવા માટે 10 દિવસમાં 5 ફરિયાદોની જરૂર પડતી હતી. હવે જો AI કોઈ નંબરને શંકાસ્પદ ગણાવે, તો માત્ર 3 ફરિયાદો મળતાં જ તેના પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે.
નિયમ-5: ફરિયાદના નિરાકરણથી અસંતુષ્ટ હોવ તો 15 દિવસમાં અપીલ કરો
જો તમે સ્પામ કૉલની ફરિયાદના નિવારણથી સંતુષ્ટ ન હો, તો 15 દિવસની અંદર અપીલ કરી શકો છો. અપીલ કરવા માટે TRAI DND એપ, કંપનીના પોર્ટલ અથવા 1909 પર કૉલ/SMSની સુવિધા ઉપલબ્ધ રહેશે.
નિયમ-6: કંપનીઓ માત્ર 7 દિવસ સુધી જ કૉલ કરી શકશે
જો તમે કોઈ સર્વિસ કે સામાન માટે ઓનલાઈન પૂછપરછ કરી છે, તો કંપની માત્ર 7 દિવસ સુધી જ તમારો સંપર્ક કરી શકશે. કંપની પાસે તમારી પૂછપરછનો લેખિત અથવા ડિજિટલ રેકોર્ડ હોવો જરૂરી છે. આ નિયમ મુખ્યત્વે ઈ-કોમર્સ (જેમ કે શોપિંગ એપ્સ) અને ઓનલાઈન સર્વિસ આપતી કંપનીઓ પર લાગુ થશે.
નિયમ-7: ખોટો મેસેજ મોકલવા પર 6 કલાકમાં કાર્યવાહી, 1 વર્ષનો પ્રતિબંધ
જો કોઈ કંપની નકલી સંદેશ, ખોટા હેડર અથવા ટેમ્પલેટનો ઉપયોગ કરે છે, તો તેને 6 કલાકની અંદર બ્લોક કરી દેવામાં આવશે. ગેરરીતિ કરનારા ટેલિમાર્કેટરનું કનેક્શન 1 વર્ષ માટે કાપી નાખવામાં આવશે અને તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.
નિયમ-8: ટ્રુકૉલર જેવી એપ્સ સત્તાવાર કૉલ્સને બ્લોક કરી શકશે નહીં
ટ્રુકૉલર જેવી એપ્સ હવે સરકારી અથવા સત્તાવાર કંપનીઓના નંબરો (જેમ કે 140xx, 1600xx, 1601xx સિરીઝ)ને એકસાથે સ્પામ તરીકે ઓળખાવીને બ્લોક કરી શકશે નહીં. જોકે, જો કોઈ ગ્રાહક વ્યક્તિગત રીતે પોતાના ફોનમાં આ નંબરોને બ્લોક કરવા માગે, તો તે પોતે કરી શકે છે.