દિવસ દરમિયાન વારંવાર આવતા લોન, ક્રેડિટ કાર્ડ અને ઓફર્સના સ્પામ કોલથી પરેશાન છો? તો આ સમાચાર તમારા માટે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ જુલાઈ-સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા છે. તેમાં સ્પામ કોલ સામે કાર્યવાહીમાં રિલાયન્સ Jio આગળ છે, જ્યારે Airtel અને Vodafone Idea (Vi) પાછળ છે.
TRAIના આંકડા મુજબ, Jio પાસે સૌથી વધુ 52.72 કરોડ ગ્રાહકો હોવા છતાં તેમના નેટવર્ક સામે સૌથી ઓછી 2,93,716 સ્પામ ફરિયાદો નોંધાઈ છે. Jioએ 4,963 સ્પામ કરતા નંબરોને એક વર્ષ માટે બ્લોક કર્યા છે અને 274 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી છે. બીજી તરફ, Airtel પાસે 50.67 કરોડ ગ્રાહકો છે, પરંતુ તેમના નેટવર્ક સામે 3,52,062 ફરિયાદો નોંધાઈ છે. Airtelએ 85 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી છે. Vodafone Idea પાસે 20.08 કરોડ ગ્રાહકો છે, છતાં તેમના નેટવર્ક સામે સૌથી વધુ 5,39,285 ફરિયાદો નોંધાઈ છે. Viએ માત્ર 9 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી છે.
સ્પામ કોલ માત્ર એક કંપની પૂરતા મર્યાદિત નથી. એક નેટવર્ક પરથી આવતા સ્પામ કોલ અન્ય કંપનીના ગ્રાહકોને પણ પરેશાન કરે છે. તેથી કંપનીઓ વચ્ચે ફરિયાદોની આપ-લે થાય છે. Jioએ 6,50,038 ફરિયાદો અન્ય કંપનીઓને મોકલી છે, Airtelએ 6,35,420 અને Viએ 1,37,182 ફરિયાદો મોકલી છે.
DND (Do Not Disturb) સેવા સક્રિય કરવામાં Viના ગ્રાહકો આગળ છે. Viના 32.7% ગ્રાહકોએ DND ચાલુ કર્યું છે, Airtelના 17.2% અને Jioના માત્ર 10.7% ગ્રાહકોએ DND સક્રિય કર્યું છે. DND ચાલુ કરવાથી પ્રમોશનલ કોલ અને મેસેજ પર નિયંત્રણ મળે છે.
સ્પામ કોલ ઘટાડવા માટે કંપનીઓ AI આધારિત ફિલ્ટરિંગ અને બ્લોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. જોકે, સ્પામ કોલ સંપૂર્ણપણે બંધ થવામાં હજુ સમય લાગશે. TRAIના નિયમો અને ટેક્નોલોજી કેટલી અસરકારક છે તે આગળ જોવાનું રહે.
નોંધ: આ લેખમાંના આંકડા મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સ્વતંત્ર ચકાસણી કરવામાં આવી નથી.