દેશમાં ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી સમયમાં તમારા ફોન પર OTP આવે ત્યારે તે નોટિફિકેશન પ્રિવ્યુમાં સીધો દેખાશે નહીં. મેસેજનો કોડ જોવા માટે તમારે મેસેજિંગ એપ ખોલવી પડશે. આ ઉપરાંત, OTP મોકલવા માટે એક નિશ્ચિત ફોર્મેટ પણ નક્કી કરવામાં આવી શકે છે.
સામાન્ય રીતે લોકો OTP આવતાં જ આખો મેસેજ વાંચ્યા વિના માત્ર આંકડા જોઈને આગળ વધી જાય છે. સાયબર ઠગ આ ઉતાવળ અને બેદરકારીનો લાભ લઈને છેતરપિંડી કરે છે. આવી ઘટનાઓ રોકવા માટે TRAI એક સમાન ફોર્મેટ લાવવાની યોજના બનાવી રહ્યું છે, જેથી સામાન્ય યૂઝર સરળતાથી સાચા અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત ઓળખી શકે.
નવા પ્રસ્તાવિત ફોર્મેટમાં બેંકો, ઈ-કોમર્સ કંપનીઓ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે OTP મેસેજમાં સ્પષ્ટ લખવું પડશે કે આ કોડ કઈ સેવા માટે છે – જેમ કે લોગિન, પેમેન્ટ કે અન્ય કોઈ કામ. સાથે જ કંપનીએ પોતાની ઓળખ અને OTP કેટલી મિનિટ સુધી માન્ય રહેશે તે પણ જણાવવું પડશે. વધુમાં, TRAI લોકસ્ક્રીન કે નોટિફિકેશન પ્રિવ્યુમાં OTPના આંકડા છુપાવવાનો વિચાર કરી રહ્યું છે, જેથી નજીકમાં રહેલા લોકો કે અન્ય ઉપકરણો તમારો કોડ ચોરી ન શકે.
ગૃહ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર 2021માં લગભગ 2.62 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે 2025 સુધીમાં વધીને 24.02 લાખ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઓનલાઇન છેતરપિંડીમાં ગુમાવેલી રકમ ₹551 કરોડથી વધીને ₹22,495 કરોડ થઈ છે. આ આંકડા તમામ પ્રકારના સાયબર ગુનાઓના છે, પરંતુ OTP પ્રક્રિયામાં સુધારો લાવીને ઘણી છેતરપિંડીઓ અટકાવી શકાય છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતો માને છે કે માત્ર ફોર્મેટ બદલવાથી તરત જ જાદુઈ પરિણામ નહીં આવે, કારણ કે ઠગ પણ પોતાની પદ્ધતિ બદલશે. હાલમાં ગુનેગારો સામાન્ય SMS ઉપરાંત વોટ્સએપ જેવી એપ્સનો પણ ઉપયોગ કરે છે. તેમ છતાં, OTP નોટિફિકેશનમાં ન દેખાવાથી અને યૂઝરને મેસેજ વાંચવા માટે પ્રેરિત કરવાથી જાગૃતિ વધશે.
યૂઝર્સે ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે OTP શેર ન કરવો. OTP વાપરતાં પહેલાં મેસેજમાં લખેલી વિગત ધ્યાનથી વાંચવી કે આ કોડ શેના માટે આવ્યો છે. જો અચાનક તમારી જાણ બહાર બેંક કે પેમેન્ટ એપનો OTP આવે, તો તરત જ બેંક ખાતું ચકાસવું અને જરૂર પડે તો કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ બ્લોક કરાવવું.