સત્ય. સાહસ. સંકલ્પ.

TRAIનું નવું DCR પ્લેટફોર્મ: ઘર કે ઓફિસ ભાડે લેતા પહેલાં નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડ ચેક કરો

TRAIનું નવું DCR પ્લેટફોર્મ: ઘર કે ઓફિસ ભાડે લેતા પહેલાં નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડ ચેક કરો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ શુક્રવારે 'ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ' (DCR) પ્લેટફોર્મ અને મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ નવી વ્યવસ્થાથી હવે ઇમારતોને ડિજિટલ કનેક્ટિવિટીની રેટિંગ મળશે, જેથી લોકો પ્રોપર્ટી ખરીદતા કે ભાડે લેતા પહેલાં ત્યાંના મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ સ્પીડ અને ડિજિટલ સુવિધાઓનું સ્તર તપાસી શકશે.

ટ્રાઈના આ પગલાથી ઘર કે ઓફિસની અંદર નબળા નેટવર્ક અને કૉલ ડ્રૉપ જેવી સમસ્યાઓમાંથી રાહત મળવાની અપેક્ષા છે.

DCR રેટિંગની 5 મુખ્ય વાતો:

  • બધા માટે પારદર્શક અને સમાન નિયમો: ટ્રાઈનું આ પ્લેટફોર્મ ઇમારતોમાં ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કની સ્થિતિ તપાસવા માટે સરળ, સ્પષ્ટ અને સમાન નિયમો પ્રદાન કરે છે. આથી ગ્રાહકોને સાચી અને વિશ્વસનીય માહિતી મળશે.
  • ઘરે બેઠાં રેટિંગ તપાસો અને QR કોડથી ચકાસણી કરો: પ્લેટફોર્મ પર પબ્લિક સર્ચ પેજ ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ પ્રોપર્ટી કે સ્થળના નામથી તેની કનેક્ટિવિટી રેટિંગ જોઈ શકે છે. સાથે આપેલા QR કોડ અને ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા તેની સત્યતા પણ ચકાસી શકાય છે.
  • મોબાઇલ એપથી ઘરની અંદર ટેસ્ટિંગ: નેટવર્કની ઑન-સાઇટ તપાસ માટે 'DCRA' મોબાઇલ એપ બનાવવામાં આવી છે. આ એપ દ્વારા અધિકૃત એજન્સીઓ ઇમારતોની અંદર જઈને નેટવર્કની મજબૂતી અને ઇન્ટરનેટ સ્પીડનું સચોટ પરીક્ષણ કરી શકશે.
  • આ 4 સુવિધાઓના આધારે રેટિંગ: DCR સિસ્ટમ હેઠળ ઇમારતોને ફાઇબર ઑપ્ટિક રેડીનેસ, મોબાઇલ નેટવર્કની ઉપલબ્ધતા, ઇન-બિલ્ડિંગ સોલ્યુશન્સ અને વાઇ-ફાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે 1 થી 5 સ્ટાર રેટિંગ આપવામાં આવશે.
  • બિલ્ડર્સ પર સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું દબાણ: આ પહેલ ખરીદદારોની મદદ કરવા ઉપરાંત પ્રોપર્ટી ડેવલપર્સ અને બિલ્ડર્સને શરૂઆતથી જ મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પ્રેરિત કરશે.

પ્રોપર્ટી મેનેજર્સ માટે સિંગલ ઇન્ટરફેસ

ટ્રાઈના નિવેદન અનુસાર, આ પ્લેટફોર્મ પ્રોપર્ટી મેનેજર્સ, નોંધાયેલ ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ એજન્સી અને ગ્રાહકોને એક જ ઇન્ટરફેસ પર લાવે છે. સરકારી, કોમર્શિયલ, જાહેર અને ખાનગી શ્રેણીની તૈયાર તેમજ બાંધકામ હેઠળની ઇમારતો માટે પ્રોપર્ટી મેનેજર્સ પોતાની મિલકતોને રજિસ્ટર કરીને રેટિંગ એપ્લિકેશનની સ્થિતિ ટ્રૅક કરી શકશે.

ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ટ્રાઈની સત્તાવાર વેબસાઇટ https://dcrp.trai.gov.in પર જઈ શકાય છે.

ઇન-બિલ્ડિંગ સોલ્યુશન (IBS) શું છે?

મોટી કે બહુમાળી ઇમારતો, બેઝમેન્ટ અને લિફ્ટ જેવી જગ્યાઓ પર મોબાઇલ ટાવરના સિગ્નલ ઘણીવાર અંદર સુધી પહોંચી શકતા નથી. આ સમસ્યાનો સામનો કરવા માટે ઇમારતની અંદર જ નાના એન્ટેના અને કેબલ્સનું નેટવર્ક બિછાવવામાં આવે છે, જેને ઇન-બિલ્ડિંગ સોલ્યુશન (IBS) કહેવાય છે. DCR રેટિંગ નક્કી કરશે કે બિલ્ડરે ઇમારતમાં આવી ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરી છે કે નહીં.