2 ઑક્ટોબરે 'નો UPI ડે' મનાવવાનો વેપારી સંગઠનોનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. બુધવારે નવી દિલ્હીમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ વેપારી સંગઠનોએ આ જાહેરાત કરી હતી.
વેપારી સંગઠનોએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને UPI ચાર્જ ટાળવાની માંગ કરી છે. ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઑક્ટોબરથી ચાર્જ લાગુ થવાનો છે.
અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લગભગ 20 મોટા વેપારી નેતાઓએ નાણાંમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનું નેતૃત્વ ચાંદની ચોકના સાંસદ અને કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કર્યું હતું.
પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે સરકારે આશ્વાસન આપ્યું છે કે વેપારી સંગઠનોની માંગણીઓ અને ચિંતાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યારબાદ જ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો.
વેપારી સંગઠનોએ નાણાંમંત્રી સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં તહેવારોની સિઝનમાં ખરીદી વધે છે, તેથી 15 ઑક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા મર્ચન્ટ ચાર્જને હાલ લાગુ ન કરવાની માંગ સામેલ છે. વેપારીઓએ સૂચન કર્યું છે કે ચાર્જમાં છૂટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવે, જેથી નાના વેપારીઓને રાહત મળે. એક વેપારીથી બીજા વેપારી વચ્ચેના વ્યવહારો એટલે કે મર્ચન્ટ-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો MDR ચાર્જ ન લગાવવામાં આવે. વેપારીઓની મુશ્કેલીઓ સમજીને ઉકેલ લાવવા માટે સરકાર ખાસ સમિતિની રચના કરે, જે યોગ્ય માર્ગદર્શન આપે.
ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલાં CAITએ 'નો UPI ડે' મનાવવાના મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેના 2 દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે દેશભરના વેપારીઓ અને દુકાનદારો 2 ઑક્ટોબરે UPIથી પેમેન્ટ નહીં સ્વીકારે. સરકારના UPI ટ્રાન્ઝેક્શન ચાર્જના વિરોધમાં વેપારી સંગઠનોએ આ દિવસે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી હતી.
આ અંગે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવિન્દ્ર મંગવેએ કહ્યું હતું કે આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત નહીં રહે, પરંતુ દેશભરના 500થી વધુ અગ્રણી વેપારી સંગઠનો તેમાં ભાગ લેશે.
વેપારી સંગઠનોનો UPI ચાર્જના વિરોધમાં મુખ્ય તર્ક એ છે કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે. ડિજિટલ લેવડદેવડ પર વધારાનો ચાર્જ લાદવાથી ખર્ચ વધશે. ડિજિટલ પેમેન્ટનો ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર બોજો નાખવાનો નહીં. UPIના કારણે રોકડના વપરાશમાં ઘટાડો થયો છે. વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે તેમના પર ફી લાદવી યોગ્ય નથી. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે વેપારીઓ પર ચાર્જ લગાવવો સજા આપવા જેવો છે. સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કર્યો તો આંદોલનને વધુ તેજ કરવામાં આવશે.
UPI MDR ચાર્જના નવા નિયમો અને વેપારીઓ પર અસર:
મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: મહિનામાં ₹1 લાખથી વધુ કમાણી કરતા વેપારીઓને ₹2,000થી વધુની દરેક પેમેન્ટ સ્વીકારવા પર 0.4% MDR + GST ચૂકવવો પડશે. GST, MDR ચાર્જના 18%ના દરે લાગશે.
નાના વેપારીઓને રાહત: જે વેપારીઓની મહિનામાં UPI દ્વારા કુલ કમાણી ₹1 લાખ સુધી છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ હોય.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુનું UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને આપમેળે મોટા વેપારીઓની કેટેગરીમાં સ્થાનાંતરિત કરી દેશે. ત્યારબાદ તેને પણ ચાર્જ ચૂકવવો પડશે.
₹2,000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2,000 અથવા તેનાથી ઓછી રકમની નાની ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
મહત્તમ ચાર્જની મર્યાદા: ₹75,000 અથવા તેનાથી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારી પાસેથી મહત્તમ ₹300 + GST જ ચાર્જ લેવામાં આવશે.
મર્યાદા દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ: ₹2,000ની મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક ચુકવણી પર લાગુ થશે.
ચોક્કસ ક્ષેત્રો માટે માત્ર ₹5ની ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને શિક્ષણ સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુની ચુકવણી પર 0.40%ને બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે.
કાર્ડની સરખામણીએ હજુ પણ સસ્તું: ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીએ UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે? MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, આ એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ ચૂકવે છે.