ટોયોટા કંપનીએ ભારતીય બજારમાં ફોર્ચ્યુનર લીડર એડિશન લોન્ચ કરી છે. આ નવી એસયુવીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 36.51 લાખ રૂપિયા છે. વેરિઅન્ટના હિસાબે કિંમત અલગ-અલગ રહેશે.
ફોર્ચ્યુનર તેના શાનદાર લુક અને પાવર માટે જાણીતી છે. નવી લીડર એડિશન રોડ પર અલગ દેખાવ ધરાવે છે. કંપનીએ આ ગાડીનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો ટોયોટાની સત્તાવાર વેબસાઈટ અથવા નજીકના ડીલરશિપથી બુકિંગ કરાવી શકે છે.
બાહ્ય દેખાવમાં બોલ્ડ સિગ્નેચર ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. સાથે બ્લેક રિયર ડોર ગાર્નિશ, ગ્લોસ-બ્લેક એલોય વ્હીલ, બ્લેક રૂફ ટ્રીટમેન્ટ, બ્લેક-ફિનિશ એન્ટેના અને બોડી-સાઇડ મોલ્ડિંગ્સ છે. આનાથી ગાડીને સ્પોર્ટી લુક મળે છે.
અંદરની કેબિન પ્રીમિયમ અને આરામદાયક છે. ડ્યુઅલ-ટોન બ્લેક અને મરૂન સીટ અપોલ્સ્ટ્રી, પ્રીમિયમ એમ્બિયન્ટ લાઇટિંગ અને ઈલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ આપવામાં આવ્યા છે. સુવિધામાં ઓટો-ફોલ્ડિંગ આઉટસાઈડ રિયર-વ્યુ મિરર્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)નો સમાવેશ થાય છે.
કિંમતની વાત કરીએ તો 4x2 મેન્યુઅલ વેરિઅન્ટ 36.51 લાખ રૂપિયા અને 4x2 ઓટોમેટિક વેરિઅન્ટ 38.72 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.
કંપની ઓનરશિપ પેકેજ પણ આપી રહી છે. જેમાં 5 વર્ષની કોમ્પ્લીમેન્ટરી રોડસાઈડ આસિસ્ટન્સ અને 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટી મળે છે. ગ્રાહકો 5 વર્ષ અથવા 2,20,000 કિલોમીટર સુધીની એક્સટેન્ડેડ વોરંટી પણ લઈ શકે છે.