વાવ-થરાદ તાલુકાના ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે કરુણ બનાવ બન્યો છે. લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થવાથી 45 જેટલાં ગૌવંશનાં મોત થયાં છે. જ્યારે સમયસર સારવાર મળતાં 50થી 60 ગાયોના જીવ બચી ગયા છે.
મળેલી માહિતી અનુસાર, બેસતા વર્ષની રાત્રે આશરે 10:25 વાગ્યે ગૌશાળામાં ગૌવંશની તબિયત અચાનક લથડવા લાગી હતી. ગૌશાળાના ગોવાળે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થાનિક આગેવાનને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગૌસેવક અને બનાસકાંઠા ગૌ સંસદના અગ્રણીએ તાત્કાલિક સહાય અને મેડિકલ ટીમ પહોંચાડવા માટે ઓડિયો સંદેશ વાયરલ કર્યો હતો.
આ અપીલ બાદ મદદ માટે દોડધામ શરૂ થઈ હતી અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે પહોંચી હતી. ડોક્ટરોની ટીમે રાતોરાત ભારે જહેમત ઉઠાવીને આશરે 50થી 60 ગાયોને બચાવી લીધી હતી. જોકે, લીલી મકાઈના ઘાસચારાની ઝેરી અસર ગંભીર હોવાથી 45 જેટલાં ગૌવંશનાં ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યાં હતાં.
આ દુર્ઘટનાને પગલે ચાંગડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.