ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં 322 MWp ક્ષમતાના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા છે. આ પ્રોજેક્ટ્સ મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના (MSKVY) 2.0 અને પીએમ-કુસુમ યોજનાના ઘટક-સી હેઠળ વિકસાવવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ્સ નાશિક જિલ્લાના 14 તાલુકાઓમાં 50 સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ કૃષિ ફીડરને સૌર ઊર્જાથી સજ્જ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય વીજ પુરવઠો મળી શકે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળી 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) ને પૂરી પાડવામાં આવશે.
આ પ્રોજેક્ટનો હેતુ કૃષિ ક્ષેત્રને સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાનો અને ખેતીવાડી વિસ્તારોમાં વીજ ગ્રીડની કાર્યક્ષમતા વધારવાનો છે. સ્થાનિક સ્તરે સૌર પ્લાન્ટ્સ સ્થાપિત કરવાથી વીજ ટ્રાન્સમિશન લોસ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો સુધરશે. આ પ્રોજેક્ટના અમલીકરણમાં જમીનની વ્યવસ્થા, ગ્રીડ કનેક્ટિવિટી, સ્થાનિક મંજૂરીઓ અને બાંધકામની કામગીરી સંકલિત રીતે કરવામાં આવી હતી.
ટોરેન્ટ પાવર લિમિટેડના ડિરેક્ટર જિગીશ મહેતાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ MSEDCL, સ્થાનિક વહીવટીતંત્ર, જમીન માલિકો અને ટીમના સહિયારા પ્રયાસથી શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં યોગદાન આપશે અને ખેડૂતોને ટકાઉ વીજળી પૂરી પાડવાની ટોરેન્ટની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે.
ઉલ્લેખનીય છે કે, ટોરેન્ટ પાવર ભારતની અગ્રણી ઊર્જા કંપની છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 6.66 GWp છે અને લગભગ 4.56 GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે.