સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લશ ટેન્કમાં જમા થયેલી ગંદકી અને લીલ દૂર કરવા માટે ઘરની ત્રણ વસ્તુઓ પૂરતી છે

ફ્લશ ટેન્કમાં જમા થયેલી ગંદકી અને લીલ દૂર કરવા માટે ઘરની ત્રણ વસ્તુઓ પૂરતી છે

બાથરૂમ સાફ કરતી વખતે આપણે ટાઇલ્સ, નળ, ટબ, ડોલ, ટોયલેટ સીટ અને ફ્લોર સાફ કરીએ છીએ, પણ ટોયલેટ સીટ સાથે જોડાયેલા ફ્લશ ટેન્ક તરફ ધ્યાન આપતા નથી. નિયમિત સફાઈ ન થવાથી તેની અંદર ગંદકી જમા થાય છે. વધુ સમય સુધી આમ જ ચાલે તો ફ્લશ ટેન્ક જામ થઈ શકે છે અથવા ખરાબ પણ થઈ શકે છે.

મોટાભાગે ફ્લશ ટેન્કને ફક્ત બહારથી ધોઈ નાખવામાં આવે છે, પણ અસલી ગંદકી અંદર જમા થાય છે. ઢાંકણ ખોલીને જોઈએ તો અંદર ગંદકી, લીલ (કાઈ) અને ખારા પાણીનું સફેદ પડ દેખાય છે. બાથરૂમ હાઇજીન રાખવા માટે ફ્લશ ટેન્ક પણ નિયમિત સાફ કરવો જરૂરી છે. આ માટે મોંઘા ક્લીનરની જરૂર નથી, ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પૂરતી છે.

ફ્લશ ટેન્ક ગંદો કેમ થાય છે?

લાંબા સમય સુધી ખારું પાણી ભરાઈ રહેવાથી ટેન્કમાં સફેદ કે ભૂખરું પડ જામે છે. પાણીમાં આયર્ન કે મેંગેનીઝ વધુ હોય તો ભૂખરા કે કાળા ડાઘ પણ પડે છે. લોખંડના અંદરના ભાગોમાં કાટ લાગી શકે છે. ઉપરાંત ટેન્કનું ઢાંકણ સામાન્ય રીતે બંધ રહેતું હોવાથી નિયમિત સફાઈ થતી નથી અને અંદર ગંદકી, લીલ તથા ક્ષાર જમા થતા રહે છે.

શું શું જોઈશે: એક કપ વિનેગર (સરકો), અડધો કપ બેકિંગ સોડા, બે ચમચી લિક્વિડ ડિશસોપ, બે લિટર હૂંફાળું પાણી, અને એક બ્રશ કે કપડું.

સફાઈ કરવાની રીત:

સૌથી પહેલાં ફ્લશ ટેન્કનો વોટર સપ્લાય બંધ કરો અને ફ્લશ ચલાવી દો, જેથી અંદરનું બધું પાણી નીકળી જાય.

ટેન્ક ખાલી થઈ જાય પછી તેમાં એક કપ વિનેગર નાખો. પછી બેકિંગ સોડા અને લિક્વિડ ડિશસોપ ઉમેરો. આ બધું નાખ્યા બાદ ઉપરથી એક લિટર હૂંફાળું પાણી રેડો. પાણી બહુ ગરમ ન રાખવું, કારણ કે ગરમ પાણીથી પ્લાસ્ટિકના ટેન્કને નુકસાન થઈ શકે છે. આ મિશ્રણને ટેન્કમાં 30થી 40 મિનિટ સુધી રહેવા દો.

ત્યાર બાદ સાવચેતીપૂર્વક બ્રશથી ટેન્કની અંદરની કિનારીઓ અને ગંદી જગ્યાઓ સાફ કરો. વધુ જોરથી ઘસવું નહીં, તેનાથી ફ્લશને નુકસાન થઈ શકે છે. પછી વોટર સપ્લાય ચાલુ કરો અને બે-ત્રણ વખત ફ્લશ કરો, જેથી અંદરનું ગંદું પાણી નીકળી જાય. અંતે ફ્લશનું ઢાંકણ બંધ કરી દો.

ફ્લશ ટેન્કની સફાઈ ત્રણથી છ મહિનામાં એક વખત કરવાથી લીલ, ગંદકી અને ફૂગ જમતી નથી અને બાથરૂમ સ્વચ્છ તથા ચમકદાર રહે છે. મોંઘા ક્લીનરને બદલે આ સરળ ઘરેલું રીત અજમાવી શકાય છે.