સત્ય. સાહસ. સંકલ્પ.

TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યો પક્ષપલટાનો આરોપ

TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યો પક્ષપલટાનો આરોપ

ભારતના ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય વિપક્ષી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બંને જૂથો માટે પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન વચગાળા માટે ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર, આયોગનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મમતા બેનરજી કે ઋતબ્રત બેનરજી પોતાના જૂથ માટે TMCનું નામ કે ચૂંટણી ચિહ્ન વાપરી શકશે નહીં.

આ નિર્ણય સામે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પહેલા શિવસેના, પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને હવે તૃણમૂલ કોંગ્રેસ—દરેક વખતે એક જ પેટર્ન જોવા મળે છે, જેમાં ભાજપ અને ચૂંટણી પંચ મળીને પાર્ટી તોડે છે અને પછી ચૂંટણી ચિહ્ન છીનવી લેવામાં આવે છે. તેમણે આ ઘટનાક્રમને લોકશાહીના પતનનું પ્રતીક ગણાવ્યું.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની બંધારણીય ભૂમિકા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, આયોગનું કામ જનાદેશનું રક્ષણ કરવાનું છે, પરંતુ વાસ્તવમાં એવા પરિબળોને સહયોગ મળી રહ્યો છે જે જનતાના નિર્ણયને પલટી નાખે છે. તેમણે ઉમેર્યું કે, આ લડાઈ માત્ર મમતા બેનરજી પૂરતી સીમિત નથી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવતા દેશના દરેક પક્ષ અને દરેક મતદારની લડાઈ છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પસંદ કરવાના મુદ્દે શરૂ થયેલા આ સંઘર્ષમાં TMCના 80 ધારાસભ્યોમાંથી અંદાજે 58 ધારાસભ્યો ઋતબ્રત બેનરજીની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં જોડાઈ ગયા હતા. પક્ષપલટા વિરોધી કાયત હેઠળ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી કરતાં આ સંખ્યા વધારે હોવાથી પાર્ટી સ્પષ્ટપણે બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. બંને જૂથોએ TMC નામ અને ચિહ્ન પર દાવો કરતાં ચૂંટણી પંચે આ વચગાળાનું પગલું ભરવું પડ્યું છે.