પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જી વચ્ચે પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીક અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે ચૂંટણી પંચે પેટાચૂંટણી પહેલા પાર્ટીનું જૂનું પ્રતીક 'બે ફૂલ' અને નામ સ્થગિત (ફ્રીઝ) કરી દીધું છે.
નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને પાર્ટીના નામ તથા ચૂંટણી પ્રતીક પર દાવો કર્યો છે. પંચના નિર્ણય બાદ હવે બંને જૂથોને અલગ-અલગ ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવશે.
ચૂંટણી પંચે ગુરુવારે જાહેર કરેલા વચગાળાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ઋતબ્રત બેનરજી અને અરૂપ રોયના નેતૃત્વવાળું જૂથ તથા મમતા બેનરજીના નેતૃત્વવાળું જૂથ, બંનેમાંથી કોઈ પણ 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામનો સીધો ઉપયોગ કરી શકશે નહીં. બંને જૂથોને 'બે ફૂલ અને ઘાસ' પ્રતીકનો ઉપયોગ કરવાથી પણ મનાઈ કરવામાં આવી છે, કારણ કે આ પ્રતીક પાર્ટી માટે અનામત છે.
પંચે કહ્યું છે કે બંને જૂથો પોતાના અલગ-અલગ નામ પસંદ કરી શકે છે. જો તેઓ ઈચ્છે તો મૂળ પાર્ટીના નામ સાથે જોડાણ પણ દર્શાવી શકે છે. સાથે જ બંને જૂથોને ફ્રી સિમ્બોલની યાદીમાંથી અલગ-અલગ ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવશે. પંચે બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે કે તેઓ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યા સુધી પોતાના જૂથ માટે ત્રણ નામના વિકલ્પો અને ત્રણ ફ્રી સિમ્બોલના વિકલ્પો (પસંદગીના ક્રમમાં) જમા કરાવે.
આ વચગાળાની વ્યવસ્થા માત્ર વર્તમાન પેટાચૂંટણીઓ માટે લાગુ રહેશે અને સિમ્બોલ્સ ઓર્ડર 1968ના પેરા 15 હેઠળ વિવાદના અંતિમ નિર્ણય સુધી ચાલુ રહેશે.
ગુરુવારે ચૂંટણી પંચે બંને જૂથોની અલગ-અલગ સુનાવણી કરી હતી. પહેલા ઋતબ્રત બેનરજીના નેતૃત્વવાળું જૂથ પંચ સમક્ષ પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં ઋતબ્રત બેનરજી ઉપરાંત ચંદ્રિમા ભટ્ટાચાર્ય, અકરુલ ઝમાન, અરૂપ રોય અને એક વકીલ સામેલ હતા. અરૂપ રોયને આ જૂથે પક્ષના ચેરપર્સન ચૂંટ્યા છે.
નોંધનીય છે કે બુધવારે બંને જૂથોના ઉમેદવારોએ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા, તે વખતે તેમણે તૃણમૂલ કોંગ્રેસના નામ અને 'બે ફૂલ' ચૂંટણી પ્રતીક સાથે ફોર્મ ભર્યું હતું. હવે પંચના નિર્ણય બાદ બંને પક્ષોના ઉમેદવારો અલગ-અલગ પ્રતીકો પર ચૂંટણી લડશે.