સત્ય. સાહસ. સંકલ્પ.

તિરુમાલા મંદિરમાં ભક્તોને મળશે 2 લાખ રૂપિયાનું વીમા કવર, TTD અને LIC વચ્ચે કરાર

તિરુમાલા મંદિરમાં ભક્તોને મળશે 2 લાખ રૂપિયાનું વીમા કવર, TTD અને LIC વચ્ચે કરાર

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે જાહેરાત કરી છે કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) હવે ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે મળીને દરેક ભક્તને વીમા કવર પ્રદાન કરશે.

મુખ્યમંત્રીએ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું કે, TTD દ્વારા આધાર આધારિત ઓનલાઈન વીમો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વીમા હેઠળ મંદિર દર્શન દરમિયાન કોઈ ભક્તનું અકસ્માતે મૃત્યુ થાય તો તેમના પરિવારને 2 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે.

નાયડુએ વધુમાં જણાવ્યું કે, ભગવાન વેંકટેશ્વરની મહિમા, તિરુમાલાનો ઇતિહાસ, પૌરાણિક આખ્યાનો અને ભગવાનના દિવ્ય વિવાહને પ્રદર્શિત કરવા માટે શ્રી વેંકટેશ્વર સંગ્રહાલયનું આધુનિકીકરણ કરીને ફરી ખોલવામાં આવશે. આ સંગ્રહાલયની સ્થાપના માટે TCS ટ્રસ્ટે 104 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આગામી પાંચ વર્ષ સુધી ટ્રસ્ટ તેનું સંચાલન કરશે.

ભક્તોને ભગવાન વેંકટેશ્વરના મહિમા, મંદિરના ઇતિહાસ અને સંબંધિત પાસાઓ વિશે શિક્ષિત કરવા માટે વૈકુંઠમ ક્વાડ્રી કોમ્પ્લેક્સ-૧ ખાતે 'હીલિંગ એક્સપિરિયન્સ સેન્ટર'ની સ્થાપના કરવામાં આવી છે.

નાયડુએ જણાવ્યું કે, તિરુમાલામાં ભક્તોની અવરજવર માટે 32 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશને 25 EV બસો દાનમાં આપી છે, જ્યારે ભારત બાયોટેકે TTDને સાત બસો દાનમાં આપી છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, અન્નપ્રસાદમ ટ્રસ્ટ પાસે 3,165 કરોડ રૂપિયાનું ભંડોળ છે અને અન્નપ્રસાદમ સેવાઓને વધુ સુધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પ્રાણદાનમ ટ્રસ્ટ પાસે 191 કરોડ રૂપિયાનું ભંડોળ છે અને BIRRD કોર્પસ ટ્રસ્ટ પાસે 240 કરોડ રૂપિયાનું ભંડોળ છે.

તિરુપતિ બાલાજીનું પ્રખ્યાત તિરુપતિ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પહાડો પર સ્થિત ભગવાન વિષ્ણુના અવતાર શ્રી વેંકટેશ્વરને સમર્પિત એક પવિત્ર અને સમૃદ્ધ ધાર્મિક સ્થળ છે. મંદિરનું સંચાલન તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.