સત્ય. સાહસ. સંકલ્પ.

ટીનુ આનંદને હોસ્પિટલમાંથી રજા: પાંચ પાંસળી તૂટી, ફેફસામાં પણ ઈજા; હવે ઘરે સારવાર

ટીનુ આનંદને હોસ્પિટલમાંથી રજા: પાંચ પાંસળી તૂટી, ફેફસામાં પણ ઈજા; હવે ઘરે સારવાર

બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની ICUમાં દાખલ હતા. તેમને પાંચ પાંસળીઓમાં ફ્રેક્ચર થયું હતું અને એમાંથી એક તૂટેલી પાંસળીના કારણે તેમના ફેફસામાં પણ કાણું પડ્યું હતું. સારવાર બાદ હવે તેમની હાલતમાં સુધારો છે અને ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેઓ જોખમથી બહાર છે.

81 વર્ષીય ટીનુ આનંદ હાલમાં ઘરે છે અને તેમની રિકવરી ચાલુ છે. ડૉક્ટરોએ તેમને સખત બેડ રેસ્ટની સલાહ આપી છે અને ઘરે જ તેમની ફિઝિયોથેરાપી કરવામાં આવી રહી છે. જોકે હાલમાં તેમને ઊઠવા-બેસવા, પડખું બદલવા અને શરીરની સ્થિતિ બદલવામાં દુખાવો થાય છે. બોલવામાં પણ તેઓ અસ્વસ્થતા અનુભવે છે. તેમને આ ઈજા કેવી રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ દરમિયાન કેટલાક નિર્માતાઓએ તેમને અધૂરાં ડબિંગ કામ પૂરાં કરવા માટે સંપર્ક કર્યો છે, કારણ કે કેટલાક પ્રોજેક્ટ્સની ડેડલાઇન નજીક છે. પરંતુ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ડબિંગમાં પાછા ફરવાની કોઈ તારીખ હજુ જાહેર થઈ નથી.

ટીનુ આનંદનો જન્મ 12 ઑક્ટોબર 1945ના રોજ થયો હતો. તેઓ હિન્દી સિનેમાના એવા કલાકારોમાં સામેલ છે જેમણે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી. તેમણે મહાન ફિલ્મકાર સત્યજિત રે સાથે લગભગ પાંચ વર્ષ સુધી તેમના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે 'ગૂપી ગાઇન બાઘા બાઇન', 'અરણ્યેર દિન રાત્રિ' અને 'પ્રતિદ્વંદ્વી' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

સત્યજિત રે પાસેથી ફિલ્મ નિર્માણની બારીકીઓ શીખ્યા બાદ તેઓ મુંબઈ પરત ફર્યા અને દિગ્દર્શનની શરૂઆત કરી. તેમની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મોમાં 'દુનિયા મેરી જેબ મેં' સામેલ હતી. ત્યારબાદ તેમણે અમિતાભ બચ્ચન સાથે 'કાલિયા' (1981), 'શહેનશાહ' (1988), 'મૈં આઝાદ હૂં' (1989) અને 'મેજર સાબ' (1998) જેવી ફિલ્મો બનાવી.

ટીનુ આનંદે હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'બોમ્બે', 'ખિલાડી', 'દબંગ', 'દબંગ 2', 'સાલારઃ પાર્ટ-1' અને 'લકી ભાસ્કર' સામેલ છે. તાજેતરમાં તેઓ રામ ચરણ અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ 'પેદ્દી'માં પણ જોવા મળ્યા હતા.