બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા ટીનુ આનંદ (81) થોડા સમય પહેલા ઘરમાં પડી જવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમની પાંચ પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસામાં છિદ્ર પડી ગયું હતું. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 12 નવેમ્બરે રજા આપવામાં આવી હતી. હવે તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે.
ટીનુ આનંદે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઘટનાની રાત્રે તેમના ઘરની બધી લાઇટો બંધ હતી. તેઓ અંધારામાં કોઈ કામ માટે જઈ રહ્યા હતા ત્યારે ચાલતા-ચાલતા પડી ગયા. પડ્યા પછી તેઓ ફર્શ પર જ સૂઈ ગયા અને તેમને ઈજાની ગંભીરતાનો અંદાજ નહોતો આવ્યો. બીજા દિવસે સવારે તેમની પુત્રીએ તેમને ફર્શ પર પડેલા જોયા અને તરત જ હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ CT સ્કેનમાં જાણવા મળ્યું કે તેમની પાંચ પાંસળીઓ તૂટી ગઈ છે અને એક પાંસળીના કારણે ફેફસામાં છિદ્ર પડ્યું છે.
ટીનુએ કહ્યું કે પડ્યા પછી શું થયું અને આ મુશ્કેલ સમય કેવી રીતે પસાર થયો તે તેમને બરાબર યાદ નથી. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે અને ઘરે જ ફિઝિયોથેરપી ચાલુ છે. જોકે, અત્યારે તેમને ઊઠવા-બેસવામાં અને શરીરની પોઝિશન બદલવામાં પણ દુખાવો થાય છે.
ટીનુ આનંદનો જન્મ 12 ઓક્ટોબર 1945ના રોજ થયો હતો. તેઓ હિન્દી સિનેમાના એવા કલાકારોમાં સામેલ છે જેમણે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમણે મહાન ફિલ્મકાર સત્યજિત રે સાથે લગભગ પાંચ વર્ષ સુધી સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. તેમણે 'ગૂપી ગાઇન બાઘા બાઇન', 'અરણ્યેર દિન રાત્રિ' અને 'પ્રતિદ્વંદ્વી' જેવી ફિલ્મોમાં કામ કર્યું. સત્યજિત રે પાસેથી ફિલ્મમેકિંગની બારીકીઓ શીખ્યા બાદ તેઓ મુંબઈ પરત ફર્યા અને દિગ્દર્શનની શરૂઆત કરી. તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મોમાં 'દુનિયા મેરી જેબ મેં' સામેલ છે. ત્યારબાદ તેમણે અમિતાભ બચ્ચન સાથે 'કાલિયા' (1981), 'શહેનશાહ' (1988), 'મૈં આઝાદ હૂં' (1989) અને 'મેજર સાબ' (1998) જેવી ફિલ્મો બનાવી.
ટીનુ આનંદે હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'બોમ્બે', 'ખિલાડી', 'દબંગ', 'દબંગ 2', 'સાલારઃ પાર્ટ-1' અને 'લકી ભાસ્કર' સામેલ છે. તેઓ રામચરણ અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ 'પેદ્દી'માં પણ જોવા મળ્યા હતા.