ન્યૂ યોર્ક: ભારતીય-અમેરિકન સમુદાયે ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ટાઇમ્સ સ્ક્વેરના મધ્ય ભાગમાં એક બિલબોર્ડ પર જન્મદિવસની વિશેષ શુભેચ્છા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ ઉજવણીનું આયોજન ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA) NY-NJ-CT-NE, જયપુર ફૂટ USA, ધ ડાયસ્પોરા બાય-વીકલી, GANA – ગુજરાતી એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા, FISANA – ફેડરેશન ઓફ ઈન્ડો-અમેરિકન સીનિયર્સ એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા, વડતાલ ધામ – NJ અને BAJANA – બિહાર ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત જાહેર સ્થળોમાંથી એક એવા ટાઇમ્સ સ્ક્વેરમાંથી પસાર થતા હજારો મુલાકાતીઓ અને રહેવાસીઓએ આ સંદેશ જોયો હતો. સહભાગી સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પહેલ ભારતીય-અમેરિકન સમુદાયની એકતા, ગૌરવ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. તેમણે પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્ય, શક્તિ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતના જ નહીં, વિશ્વના અનેક નેતાઓએ પણ પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ શુભેચ્છાઓ આપીને તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. નેતન્યાહૂએ કહ્યું હતું કે, "હું ઈચ્છું છું કે તમે હજુ ઘણાં વર્ષો સુધી આ રીતે નેતૃત્વ કરતા રહો."
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે, "આપણે સાથે મળીને આપણા બે મહાન લોકતંત્રો વચ્ચે એક અનોખી અને મજબૂત ભાગીદારી સ્થાપિત કરી છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેની મિત્રતા આજે પહેલાં કરતાં પણ વધુ મજબૂત છે. આપણે સાથે મળીને આ સંબંધોને વધુ ઊંચાઈઓ પર લઈ જઈશું."