સત્ય. સાહસ. સંકલ્પ.

તિલકવાડા કેનાલમાં પાણી બંધ: 30 ગામોના ખેડૂતો સિંચાઈ સંકટમાં

તિલકવાડા કેનાલમાં પાણી બંધ: 30 ગામોના ખેડૂતો સિંચાઈ સંકટમાં

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના લગભગ 30 ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા નદીની તિલકવાડા શાખા નહેરમાંથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ ઉભી થઈ છે.

આ સમસ્યાનું મૂળ કારણ નેશનલ હાઈવે વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી છે. કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન નાખવા અને નાનો પુલ બનાવવા માટે નહેરમાં તોડફોડ કરી હતી, જેના કારણે નહેરમાં પાણીનો પ્રવાહ અટકી ગયો છે. પરિણામે, નસવાડી તાલુકાના જીતપુરા, રાયસિંગપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું પાણી મળતું બંધ થઈ ગયું છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ શરૂ કરાયેલી રસ્તાની ખોદકામની કામગીરી હજુ પૂરી થઈ નથી, અને અધૂરું કામ છોડીને નવી જગ્યાએ ખોદકામ શરૂ કરી દેવાયું છે. છેલ્લા એક વર્ષથી ખેડૂતો આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નેશનલ હાઈવે વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓએ સ્થાનિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા વગર જ મનસ્વી નિર્ણય લીધો છે.

આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને સિંચાઈના પાણીની વધુ જરૂર છે. જો ઉભો પાક સુકાઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ છે. ખેડૂતોએ માંગ કરી છે કે અગાઉની અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરી નહેરનું સમારકામ કરવામાં આવે અને સિંચાઈનું પાણી તુરંત ફરી શરૂ કરવામાં આવે.