ચેન્નાઈમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલ મેચમાં દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્મા અને પૂર્વ ઝોનના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી અને શારીરિક ઘર્ષણ થયું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટના મેચની 11મી ઓવર દરમિયાન બની હતી. પૂર્વ ઝોનના કેપ્ટન ઈશાન કિશને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુવા ઓપનર વૈભવ અને અભિમન્યુ ઈશ્વરને ટીમને મજબૂત શરૂઆત આપીને પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી હતી. વૈભવે રેડ-બોલ ક્રિકેટમાં આક્રમક શૈલી અપનાવતા દક્ષિણ ઝોનના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
યુવા ખેલાડીના આક્રમક વલણથી હતાશ થઈને વિપક્ષી કેપ્ટન તિલક વર્માએ તેની એકાગ્રતા તોડવા માટે સ્લેજિંગ કરવાનું શરૂ કર્યું હતું. તિલકે ઉશ્કેરણીજનક શબ્દોમાં કહ્યું હતું, "શું યાર? આ ઉપ-કપ્તાન છે." આ કટાક્ષનો હેતુ વૈભવને ગુસ્સે કરી તેની લય બગાડવાનો હતો.
સ્લેજિંગ થોડી જ વારમાં ઉગ્ર બની ગયું. વાયરલ વીડિયો મુજબ, તિલક વર્મા ગુસ્સામાં વૈભવની નજીક ગયો અને આંગળી ચીંધીને તેની છાતી પર થપ્પડ મારી હતી. વૈભવ પણ ડર્યા વિના અડગ ઊભો રહ્યો અને બંને વચ્ચે આંખમાં આંખ નાખીને શાબ્દિક યુદ્ધ ચાલ્યું. પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને અમ્પાયરોએ તાત્કાલિક દરમિયાનગીરી કરી બંને ખેલાડીઓને અલગ કર્યા. અગાઉ પણ તિલક અમ્પાયરની નજર ચૂકવીને વૈભવને પરેશાન કરતો જોવા મળ્યો હતો.
મેચની વાત કરીએ તો, પૂર્વ ઝોનના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. વૈભવે 37 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા, જ્યારે અભિમન્યુએ 72 રન કરીને રન આઉટ થયો. શિખર મોહને 85 રન ફટકાર્યા, પરંતુ સદી ચૂકી ગયો. દક્ષિણ ઝોનના સિરાજ 11 ઓવરમાં 70 રન આપીને વિકેટ વિના રહ્યો. પૂર્વ ઝોને 54 ઓવરમાં 4 વિકેટે 246 રન બનાવી લીધા છે અને મેચ પર મજબૂત પકડ બનાવી છે.